ગાંધીનગર
સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા દેશના જાહેર સાહસોએ રિ-ઓરિએન્ટ થવું પડશે : મુખ્યમંત્રી:
આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ-ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 દેશના પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ સાથે સુસંગત રીતે જોડાયેલી છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા આઝાદીનાઅમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત ‘રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસોના યોગદાન’ અંગેના પ્રદર્શન અને પરિષદનો મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનની પ્રેરક ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો
¤ આત્મનિર્ભર ભારત માટે કેન્દ્રીય જાહેર સાહસોની ભૂમિકા વિષયક પરિષદમાં મુખ્યમંત્રી
:: મુખ્યમંત્રી:
સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા દેશના જાહેર સાહસોએ રિ-ઓરિએન્ટ થવું પડશે
ત્રિદિવસીય પ્રદર્શન-પરિસંવાદથી જાહેર સાહસોને દેશની પ્રગતિ અને વિકાસ માટે સહિયારા પગલા ભરવાની પ્રેરણા મળશે
પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે
:: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન ::
¤ રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાન છે
¤ ૭૫ વર્ષોની વિકાસની ઝાંખી દર્શાવતું ૭૫ જાહેર સાહસોની સંસ્થાઓનું પ્રદર્શન
¤ સોલાપુર સ્થિત એનટીપીસી તથા બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.ની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ
****
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેરક ઉપસ્થિતિમાં “રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન” અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં ૬ થી ૧૨ જૂન દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી અન્વયે યોજાઇ રહેલા આ પ્રદર્શન સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા વિષયક પરિષદનો પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.
આ પરિષદમાં મહત્વકાંક્ષી જિલ્લા- એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR વિષયક બાબતો અંગે વર્કશોપ -ડિસ્કસન સિરિઝ યોજાશે.
એટલું જ નહીં MSE પાસેથી પ્રાપ્તિ અને CPSEની એન્યુઅલ ઓડીટ પ્રણાલી જેવી બાબતો અંગે વિવિધ CPSEsના CEOs એક કોમન પ્લેટફોર્મના માધ્યમથી વૈચારીક આદાન-પ્રદાન કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન અને પરિષદનો પ્રારંભ કરાવતાં, ગાંધીનગરની આ કાર્યક્રમ માટે પસંદગી કરવા બદલ કેન્દ્રીય નાણામંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દેશના જાહેર સાહસોને-પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝિસને દેશની પ્રગતિ અને વિકાસ માટે સહિયારા પગલા ભરવાની પ્રેરણા આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં ભારતે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે. આ માળખાની વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એમ બંનેને મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ, ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 તે બધી જ થીમ CPSEs અને PSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે.
આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે, તેવો મત ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, એક્શન@75 ને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર અને રાજ્યોના જાહેર સાહસો વચ્ચે સહયોગ-સૂમેળ વધારવા બાબતે વિચારવું પડશે.
દેશના જાહેર સાહસોને પહેલા જેવી મોનોપોલી ભોગવવા ન મળતી હોવાના સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા દેશના જાહેર સાહસોએ રિ-ઓરિએન્ટ થવું પડશે. ગુજરાતમાં આવા PSEsની સંગીન અને મજબૂત ઉપસ્થિતિની ભૂમિકા આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિફ્ટ સિટીની સુવિધાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ગિફ્ટ સિટીમાં વિશાળ જગ્યા, ICT નેટવર્ક, ગ્લોબલ ટ્રેઝરી ઓપરેશન્સ શરૂ કરી શકવાની સુવિધાઓ, બેક ઓફિસ અને IT ઓપરેશન્સની વ્યાપક સગવડોનો લાભ લેવા CPSEs ગિફ્ટ સિટીમાં મૂડી-રોકાણ, વ્યવસાય કરવા આવે તેવો અનુરોધ કર્યો હતો. આ પરિષદમાં સહભાગી થઇ રહેલા વિવિધ CPSEsના CEOsને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની અવશ્ય મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનને કહ્યું કે, રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાન છે. ભારત સંસ્થાનવાદી શાસનમાંથી આઝાદી મેળવ્યાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે છેલ્લા ૭૫ વર્ષોમાં રાષ્ટ્રના વિકાસમાં સેવારત જાહેર સાહસોની પ્રગતિ દર્શાવવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના આ ૭૫ અઠવાડિયા યોગ્ય સમય છે, જેમાં તમામ સંસ્થાઓને દેશના વિકાસમાં આપેલ યોગદાનને દર્શાવવાની તક મળી છે.
નાણા મંત્રી સીતારમને ઉમેર્યું કે, જાહેર સાહસોની શરૂઆત ખૂબ જ સ્પષ્ટ સમજણ સાથે કરવામાં આવી હતી કે લાંબાગાળાના રોકાણો સાથે માળખાકીય વિકાસમાં યોગદાન આપે. પરંતુ એ સમયે માત્ર વસાહતી શાસનમાંથી બહાર આવેલા દેશ માટે જ્યાં સુધી સરકાર પોતે રોકાણ અને ક્ષમતાઓનું નિર્માણ ન કરે ત્યાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ય ન હતા. ૧૯૪૭થી જાહેર સાહસોની સફર શરૂ થઈ અને આજ સુધી ભારતીય અર્થતંત્રને ઊંચુ લાવવામાં અવિરત પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને પરિણામે દેશના ઉદ્યોગ સાહસિકોને રાષ્ટનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક મળી હતી, ગુજરાત એ ઉદ્યોગસાહસિકો અને સાહસોની ભૂમિ છે જે ભારતની વિશેષતા હતી.
નાણા મંત્રી સીતારમને વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં જાહેર સાહસોને મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તાર કરવા, સ્કેલીંગ અપ, વૈવિધ્યીકરણ રોકાણ અંગે પૂરતી તક આપવામાં આવી છે. આથી આજે જાહેર સાહસોની સંસ્થાઓ ખાનગી ક્ષેત્ર સાથે સ્પર્ધા કરી રહી છે અને વૈશ્વિક નામના મેળવી રહી છે. આપણે વિકાસના નવા ક્ષેત્રો જોવાની, કાર્યક્ષમતા વધારવાની જરૂર છે, જ્યાં આપણે વેબ ૩, ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦, ડીપ ડેટા, ડીપ ટેક્નોલોજીથી લાભ મેળવી શકીએ છીએ.
સ્કોપ તથા સેઈલના ચેરપર્સન સોમા મંડલે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના જીડીપીમાં જાહેર સાહસોની સંસ્થાઓનું મહત્વનું યોગદાન છે. સ્કોપના તમામ સભ્યો દેશને ૫ ટ્રીલીયન ઈકોનોમી બનાવવાના લક્ષ્યને સાધવા સતત પ્રયત્નશીલ છે. ઉપરાંત આ સંસ્થાઓ દેશના આર્થિક તથા માળખાકીય વિકાસની સાથે સાથે CSRના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે પ્રયાસરત રહી સમાવેશી વિકાસને સુનિશ્ચિત કરી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની ભાગરૂપે યોજાઈ રહેલા આ પ્રદર્શનમાં ૭૫ જેટલી જાહેર સાહસોની સંસ્થાઓના આઝાદીકાળથી આજદિન સુધીની વિકાસની ઝાંખી દર્શાવવામાં આવી છે, જે આગામી વર્ષો માટે પ્રેરણારૂપ સાબિત થશે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત એનટીપીસી તથા કર્ણાટકના બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ મિનિ સ્માર્ટ સિટીમાં સ્થાપિત ૭૫૦ કિલોવૉટના સોલર પ્લાન્ટમાંથી કુલ જરૂરિયાતના ૩૪ ટકા વિજળી મેળવવામાં આવે છે. વીજળી બચત માટે એલઈડી લાઈટ્સ તેમજ એલઈડી સ્ટ્રીટ લાઈટ્સનો ઉપયોગ થયો છે. અન્ય સુવિધાઓમાં અત્યાધુનિક વાહન સ્કેનિંગ સિસ્ટમ, સ્પીડ નિયંત્રણ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના જાહેર સાહસો વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ૭૫ જેટલા કેન્દ્રિય જાહેર સાહસોની સંસ્થાઓના પ્રતનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
————–
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી
વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો-ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા
…………………….
આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન
…………………….
ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હેમંત કોશિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ખડીઃ પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવે છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, મુ. સલુન-તલપદ, તા: નડિયાદ, જિ-ખેડા ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો /વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪/-થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે
ગાંધીનગર
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.
agriculture
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા
સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.
તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.
તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ ઉદ્વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.
મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.
જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.
અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ