રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.