22 માર્ચ, વિશ્વ જળ દિવસ. પ્રતિદિન પાણીની વધતી જતી માંગ સામે પાણીનો જથ્થો ઓછો મળી રહયો છે. પૃથ્વી પર ત્રણ ભાગ પાણી હોવા છતા આજે પાણીની તંગી વર્તાઈ રહી છે. જળ એ જ જીવન છે જેના વગર લાંબુ જીવી ન શકાય. પાણીનો વિવેક પૂર્વક અને કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો આજના જળ દિને સંકલ્પ કરવાનો વખત આવી ગયો છે.
થોડા સમય પહેલાં વિશ્વનાં 11 એવાં શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પીવાનું પાણી જરૂર કરતાં બહુ ઓછું હશે અથવા તો ખતમ થઈ જશે.એ યાદીમાં દક્ષિણ ભારતના બેંગલુરુ શહેરનું નામ પણ સામેલ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના અનુમાન અનુસાર, 2030 સુધીમાં પાણીની માગમાં 40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં પાણીનું યોગ્ય રીતે વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો પાણી માટેની મારામારીમાં દેખીતી રીતે વધારો થશે. આજે વિશ્વમાં 1.5 અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતા જતા પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઈ રહયું છે અને પાણી જન્ય રોગોનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે.
ભારત પણ આ સમસ્યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્લોરાઈડ, નાઈટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. પાણીનો યોગ્ય ઉપયોગ કરાશો તો જ પાણીના આ સંકટમાંથી બહાર આવી શકશો.
યૂએસએડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી વર્ષે ભારત જળ સંકટવાળો દેશ બની જશે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા જારી નિર્દેશ અને નિશ્વિત માત્રાની તુલનામાં ગ્રાઉન્ડવોટરનો 70 ટકા વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી દર વર્ષે જળસ્તર 10 સેમી નીચે જઈ રહ્યું છે. આ કારણે આજે પાણી બચાવવુ જરૂરી છે.
જળ એ જ જીવન છે, એનું જતન કરો
માણસ ભોજન લીધા વિના લગભગ 20 દિવસ સુધી જીવતો રહી શકે પણ પાણી વગર ત્રણ-ચારથી વધારે દિવસ જીવવું મુશ્કેલ છે. તેનો એક જ કારણ છે ડિહાઈડ્રેશન. એટલે કે શરીરમાં પાણીની માત્રામાં જોરદાર ઘટાડો.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, ડિહાઈડ્રેશન એવી અવસ્થા હોય છે જ્યારે તમારું શરીર જેટલી માત્રામાં પાણી છોડી રહ્યું હોય છે એટલી માત્રામાં તેને પાણી મળી રહ્યું હોતું નથી.નાનાં બાળકો અને વયોવૃદ્ધોમાં ડિહાઈડ્રેશનનું જોખમ સૌથી વધુ હોય છે. તેના પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો ડિહાઈડ્રેશન જીવલેણ સાબિત થઈ શકે છે.
તબીબી નિષ્ણાંતોના મતે દિવસમાં આપણે જેટલીવાર જમીએ તેટલીવાર પાણી તો જરૂર પીવું જોઈએ. પાણી ઓછું પીવાથી કિડની સંબંધી તકલીફો થવાની શક્યતા વધી જાય છે. પાચનતંત્ર ખરાબ થાય છે અને લોહીની ગુણવત્તા બગડે છે.
શા માટે જરૂરી છે પાણી?
- હોર્મોન બનાવવા માટે પાણીની જરૂર હોય છે.
- શરીરમાં પાણીથી લાળ બને છે, જે પાચનક્રિયા માટે જરૂરી હોય છે.
- શરીરનું ઉષ્ણતામાન પાણીના પ્રમાણને આધારે નક્કી થાય છે.
- શરીરમાંના કોષોમાં પાણીના આધારે વૃદ્ધિ થાય છે અને નવા કોષો તૈયાર થાય છે.
- શરીરમાંની ગંદકી બહાર લાવવા માટે પાણી જરૂરી હોય છે.
- હાડકાંઓના સાંધા વચ્ચેની ચિકાશ અને ત્વચામાંની ભીનાશ જળવાઈ રહે એ માટે પાણી જરૂરી હોય છે.
- શરીરમાં ઓક્સિજનનું જરૂરી પ્રમાણ જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી હોય છે.