આજે 24મી માર્ચ વિશ્વ ટીબી દિવસ. ટીબી એટલે માઈક્રોબેકટેરિયમ ટયુબર ક્યુલોસીસના જીવાણુથી થતો એક ચેપી રોગ છે. આજે આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ પણ આ ચેપી રોગ સદીઓથી મનુષ્યને સતાવતો આવ્યો છે.
ભારતમાં આ રોગ સદીઓથી પ્રવર્તેલો છે. સદીઓની લડત બાદ પણ આ રોગને નેસ્તનાબૂદ તો નથી કરી શકાયો. પરંતુ હજારો દર્દીઓને મૃત્યુંના મુખમાંથી ઉગારી લેવામાં આધુનિક વિજ્ઞાને સફળતા મેળવી છે.
ટીબી અત્યંત ચેપી રોગ છે. સાથે જ સમગ્ર શરીરમાં તે ઝડપથી પ્રસરે છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો ટીબીના કારણે વ્યક્તિનું મૃત્યું પણ થઈ શકે છે. આ ચેપીરોગ સામે ભારતમાં આઝાદી પૂર્વેથી જ લડત શરૂ કરી દેવાઈ હતી.
ટીબીના સૌથી વધુ દર્દી ભારતમાં
આ રોગના આંકડાઓ પર નજર કરીએ તો તે ચોંકાવનારા છે. સમગ્ર વિશ્વમાં કુલ ટીબીના કેસોમાંથી 7 દેશોનો 64 ટકા હિસ્સો છે. જેમાં સોથી વધુ દર્દીઓ ભારતમાં છે. ભારત બાદ ઈન્ડોનેશિયા, ચીન, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, નાઈઝીરિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જાહેર આરોગ્યની કટોકટી અને આરોગ્ય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સહિતના દેશોમાં ટીબીના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે એક ચિંતાજનક બાબત છે.
1882માં સૌ પ્રથમ થઈ ઓળખ
1882માં રોબર્ટ કોક્સ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર ટીબી રોગના વિષાણુની વિશ્વ સમક્ષ ઓળખ રજૂ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, માઈક્રોબેક્ટરિયમ ટયુબરક્યુલોસીસ નામના જીવાણુંને કારણે ટીબીનો રોગ થાય છે.
આમ ફેલાય છે ટીબીના વિષાણુ
- આ બેક્ટેરિયા હવાના માધ્યમથી
- ટીબીના દર્દીના જાહેરમાં છીંકવાથી
- ઉઘરસ ખાવાથી
- ગળફો થુંકવાની પ્રક્રિયાથી
- રોગપ્રતિકારક શક્તિના અભાવે
- ટીબીનો ચેપ લાગવાનું પ્રમાણ 15થી 44 વર્ષના લોકોમાં સૌથી વધુ જોવા મળે છે.
ટીબીના સામાન્ય લક્ષણ
- બે અઠવાડીયા કે તેથી વધુ સમયથી ખાંસી આવવી
- છાતીમાં સતત દુખાવો થવો
- ગળફામાં લોહી આવવું
- સાંજના સમયે શરીરનું તાપમાન વધવું
- કારણ વિના સતત વજન ઘટવું
- ભૂખ ન લાગવી