સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મને હિન્દી બેલ્ટના દર્શકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે ચાહકો અલ્લુ અર્જુનને બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા માંગે છે.
ઘણા ચાહકોએ અભિનેતાને હિન્દી ફિલ્મોમાં આવવા માટે પણ કહ્યું હતું. ત્યારે હવે આ બધાની વચ્ચે અલ્લુ અર્જુન ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને મળ્યા છે. આ પ્રસંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકિકતમાં, અલ્લુ અર્જુન ગતરોજ રાત્રે મુંબઈમાં સંજય લીલા ભણસાલીની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન અલ્લુ અર્જુન એકદમ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. સંજય લીલા ભણસાલીની ઓફિસની બહાર અલ્લુ અર્જુન દેખાયા પછી અટકળો વહેતી થઈ છે કે બંને એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી શકે છે.
સંજય લીલા ભણસાલીની ઓફિસની બહારથી અલ્લુ અર્જુનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. હવે દરેક વ્યક્તિ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને અલ્લુ અર્જુનને તેમના આગામી પ્રોજેક્ટ વિશે પૂછી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં અલ્લુ અર્જુન તેમની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મની વાર્તાની સાથે ગીતો, ડાયલોગ અને કેટલાક અએક્ટિંગ મૂવ્સ પણ ખૂબ લોકપ્રિય થયા છે.