ઈકોનોમી
જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની રાજય સરકારે કેમ જાહેરાત કરી

સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે
રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મ નિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ “આત્મ નિર્ભર ગુજરાત” થકી “આત્મ-નિર્ભર ભારત”ના નિર્માણનું સપનું સેવ્યું છે. તેને સાકાર કરવામાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે
.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે.
તેમણે વધુ માં કહ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યાછે.આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.
કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦,કુલ બાંધકામ ૧૦૦ ચો.મી. થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી રૂા.૬૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,કુલ બાંધકામ ૨૦૦ ચો.મી. થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી રૂા. ૧૨૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી. થી વધુ માટે રૂા.૧૮૦૦૦ વત્તા વધારાના રૂા.૧૫૦ પ્રતિ ચો.મી ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.
તેમણે ઉમેર્યું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે.
આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (Change of use) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી.
આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક (hazardous /obnoxious) ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૧૯૬૨માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યારસુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સીનો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે ઉદ્યોગ રાજય પ્રધાન હર્ષ સંઘવી ,ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, જી.આઈ.ડી.સીના ઉપાધ્યક્ષ રાહુલ ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ, ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોદ્દેદારો તથા જિલ્લા કક્ષાએ વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.
ઈકોનોમી
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અને સ્થાપક ચેરમેન ઘનશ્યામભાઈ અમીનનો ‘અમૃત મહોત્સવ’ આજરોજ અન્નપૂર્ણાધામ, અડાલજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ રાજ્યભરમાંથી આવેલા વિવિધ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓ પાસેથી આ ક્ષેત્રમાં સુચારું કામગીરી કરવા માટે શું શું તકલીફો પડે છે, તેની માહિતી તેમના સ્વમુખે મેળવી હતી.તેઓએ સર્વે સોસાયટીના પ્રતિનિધિઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપની કોઈપણ સમસ્યા કે સહકાર ક્ષેત્રના વિકાસ માટે કોઈ ઉમદા વિચાર હોય તો તે બાબતે અવશ્ય અમારી સરકારનું ધ્યાન દોરવું. જેથી કરી આપણે એક ઉમદા સહકારી ક્ષેત્રનું નિર્માણ કરી શકીએ.
તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રને કઈ દિશામાં લઈ જવાનું છે, તે આપણે સૌએ સાથે મળીને નક્કી કરવાનું છે.એ દિશામાં સહકાર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. હજુ પણ વધુને વધુ સહકારી ક્રેડિટ સોસાયટીઓ અને મંડળીઓની રચના થાય તેવું ઉમદા વાતાવરણ ઉભું કરવાનું છે. સહકારીતા એક એવો મજબૂત પાયો છે કે, જે ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરે છે. સહકારી મંડળીઓ થકી જ આજે ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા ધંધા રોજગાર કરતા અને મજૂર વર્ગ વ્યાજખોરોના ચુંગલમાંથી બચી શક્યા છે. ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં નંબર વન છે, એનો આનંદ વ્યક્ત કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે રાજ્યમાં ૬૨૦૦ જેટલી મંડળીઓ કાર્યરત છે. જેના ૪૮ લાખ જેટલા સભાસદો છે. રૂપિયા ૧ હજાર કરોડથી પણ વધુની ડિપોઝિટ છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘનશ્યામભાઈ અમીનની સહકારી ક્ષેત્રેની કામગીરી ખૂબ જ ઉમદા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સમર્પિત કર્યું છે. આ ક્ષેત્રના વિધવાન, સારા લેખક સાથે સાથે સહકારી ક્ષેત્રેની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે તેઓએ સેતુરૂપ ભૂમિકા અદા કરી છે. તેની સાથે તેમણે ગુજરાતની નાની નાની ક્રેડિટ સોસાયટી અને મંડળીઓને એકઠી કરી આ ફેડરેશન બનાવવાની ઉમદા કામગીરી કરી છે. તેમણે ઘનશ્યામભાઈના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શાસનધુરા સંભાળી તેની સાથે સહકાર વિભાગ એક વિભાગ તરીકે દેશમાં અસ્તિત્વમાં આવ્યું છે. સહકાર ક્ષેત્રની પ્રગતિ થાય તે માટે તેમણે આ વિભાગની જવાબદારી આ ક્ષેત્રે અનુભવી અને ગુજરાતના સપૂત શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. સહકાર ક્ષેત્રનો વધુને વધુ મજબૂત કરી રાજ્યની વિકાસ ગતિને વધુ તેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે મહાનુભાવો ના હસ્તે ફેડરેશનના સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સોસાયટીઓનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીઝની વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના વોઇસ ચેરમેન મહેશભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને ફેડરેશનની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ફેડરેશનના એ.ઇ. ઓ. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ફેડરેશનની સ્થાપના થી ડિઝિટલ સુધીની યાત્રાની રસપ્રદ માહિતી આપી હતી.
આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, મહારાષ્ટ્ર સ્ટેટ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન ઓમપ્રકાશ કોઇટે, નિવૃત્ત રજિસ્ટાર જે. જે. શાહ, આણંદના એ.ઇ. ઓ. સુરેશભાઈ પટેલ સહિત, ફેડરેશનના હોદ્દેદારો, રાજ્યની વિવિધ મંડળી અને સોસાયટીના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઈકોનોમી
ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શોને ખુલ્લો મુકતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી માં યોજાઇ રહેલા ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શો ની મુલાકાત લીધી હતી.
તેમણે લોકોને સરળતા એ સુવિધા યુક્ત આવાસો માટે પસંદગીનો વિકલ્પ મળી રહે તે માટે આવા પ્રોપર્ટી શો એક સક્ષમ પ્લેટફોર્મ ગણાવ્યા હતા.
સૌને આવાસ માટેની પ્રધાન મંત્રી આવાસ યોજના માં પણ આવાસ નિર્માણ કારો નો સહયોગ મળે તેવી અપેક્ષા મુખ્ય મંત્રી એ વ્યક્ત કરી સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થી વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ અને ક્રેડાઇ ગાંધીનગર ના હોદેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
ઈકોનોમી
સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2022માં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું છે.
બજેટ પોથીમાં હસ્તકલાને સ્થાન આપી ગુજરાતે રાજ્યની સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કર્યો હતો. બજેટ પોથી પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા સુર્યમંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત વડે ગૂંથવામાં આવ્યા છે. ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
આ ઉપરાંત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢેરાનું સુર્યમંદિર એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા ગામ દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાત દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. જેના સન્માન સ્વરૂપે બજેટ પોથીમાં મોઢેરાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો.
વારલી ચિત્રકળા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરાતા હોય છે. આ અદ્ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળાને બજેટ પોથીની થીમ રાખવામાં આવી છે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ