અમદાવાદ
જે ખેડૂત નથી એને ખેડૂત થવાની આઝાદી કેમ નહિ? પ્રો. હેમંતકુમાર શાહ

આજકાલ ગુજરાત સહિતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ખેતીની જમીન અંગે એવા કાયદા છે કે જે ખેડૂત નથી તે ખેતીની જમીન ખરીદી શકે નહિ અને ખેડૂત બની શકે નહિ.
જો કે, કોઈ ખેડૂતનાં સંતાનો અને ખેડૂત પોતે પણ ડોક્ટર, વકીલ, પ્રોફેસર, શિક્ષક, અભિનેતા, અભિનેત્રી, નર્તક, કવિ, આર્કિટેક્ટ, એન્જિનિયર, આઇએએસ, કોન્ટ્રેક્ટર, મેનેજર, શેરદલાલ, દુકાનદાર, બેન્કર, સીએ, સીએસ, કંપનીઓના માલિક વગેરે બધું જ થઈ શકે છે. આ લોકો આ બધું જ થવા છતાં પણ વળી પાછા ખેડૂત રહી પણ શકે છે. તેઓ પોતાની જમીન પર જાતે ખેતી ન કરે તો બીજાની પાસે કરાવી શકે છે! તેમની પાસે પાંચ વીઘા જમીન હોય અને એમને પચાસ વીઘા જમીન બીજી ખરીદવી હોય તો ખરીદી પણ શકે છે. તેમને ગમે તેટલા મોટા ખેડૂત થવું હોય તો થઈ શકે છે.
પરંતુ જે પોતે ખેડૂત નથી અને જેની પાસે ખેતીની જમીન નથી એવી વ્યક્તિને ખેતીની જમીન ખરીદવી હોય અને ખેતીનો વ્યવસાય કરવો હોય તો તે ના કરી શકે કારણ કે એનાથી ખેતીની જમીન ખરીદી શકાય નહિ એવા કાયદા છે!
આ દેશમાં આશરે પચાસ કે સો વર્ષ પહેલાં લગભગ બધા પરિવારો ખેડૂતો જ હતા. દેશ આઝાદ થયો ત્યારે આશરે ૮૨ ટકા લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા. પછી દુકાળ પડ્યા, શહેરો વિકસ્યાં અને ખેતી સિવાયના ઉદ્યોગ-ધંધા વિકસ્યા એટલે ઘણાએ પોતાની ખેતીની જમીનો વેચી નાખી અને તેમનાં આજનાં સંતાનો પાસે તેમના બાપદાદા ખેડૂત હતા એવા કોઈ પુરાવા પણ રહ્યા નહિ. આવી વ્યક્તિઓને ખેડૂત થતાં હવે સરકારો રોકે છે કારણ કે એવી દલીલ કરવામાં આવે છે કે હાલ જેઓ ખેડૂતો છે તેમની જમીનો આ રીતે જેઓ હાલ ખેડૂત નથી એમની પાસે જતી રહેશે અને ખેડૂતો કોઈ અસ્કામત વિનાના થઈ જશે.
આ દલીલ તદ્દન વાહિયાત છે. વાસ્તવમાં આ સરકારો દ્વારા ખેડૂતોની કરવામાં આવતી તદ્દન બોગસ આળપંપાળ છે.
હવે નવા કાયદા અને નીતિઓ અનુસાર કોઈક કંપની ખેડૂતો પાસેથી ખેતીની જમીન ખરીદી શકે અને કંપની ખેતી કરી શકે. એને કોર્પોરેટ એગ્રિકલ્ચર કહેવામાં આવે છે. સરકારો આવી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
વળી, ખેતીની જમીનો બિન-ખેતી (NA) તો મોટા પાયા પર થઈ જ રહી છે. એમાં ખેડૂતો જમીનો વેચી જ દે છે.
એક દાખલો આપું. હું ખેડૂત નથી. મારા પિતાજીના દાદા એક ગામમાં ખેડૂત અને પશુપાલક હતા. લગભગ ૧૨૩ વર્ષ પહેલાં સંવત ૧૯૫૬ના છપ્પનિયા દુકાળ વેળા ગામ છોડીને ખેતીની જમીન અને ઢોર, ઘર, દુકાન વગેરે વેચીને જે ભાવ મળ્યા તે લઈને વખાના માર્યા ભાગ્યા અને અમદાવાદ આવીને વસ્યા એમ મારા પિતાજી કહેતા હતા.
હવે અમે ખેડૂત હતા તેનો કોઈ પુરાવો છે જ નહિ. મારે જાતે ખેતી કરવી હોય તો મને સરકાર કાયદા દ્વારા ખેતીની જમીન ખરીદવાની ના પાડે છે. પણ હું જો કોઈ કંપની બનાવું અને ખેતી કરું તો હા પાડે. કોઈ કારખાનું નાખવા ખેતીની જમીન ખરીદી તેને NA કરાવું તો વાંધો નહિ. અરે, માની લો કે હું અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં એક એકર જમીન ખરીદી એને NA કરાવું અને એમાં નાનું મકાન બાંધીને રહું અને બાકીની જમીનમાં ખેતી કર્યા કરું તો પણ વાંધો નહિ! કમાલ છે આ તો!
ખેતીની જમીનનું બજાર બીજાં બજારોની જેમ જ મુક્ત હોય તો વાંધો શું? જે ખેડૂતને ખેતીની જમીન જેને વેચવી હોય એને વેચવા દો અને જેને ખરીદવી હોય એને ખરીદવા દો. વેચનાર અને ખરીદનાર ભાવ નક્કી કરશે. એમાં સરકારે પ્રતિબંધો મૂકવાની જરૂર શી છે?
આદિવાસી વિસ્તારોની ખેતીની જમીનના વેચાણ અને ખરીદી પર આ જ પ્રકારના પ્રતિબંધો છે. શા માટે?
હાલ જેઓ ખેડૂતો છે તેઓ ગાંડા તો નથી જ કે તેમની જમીનો ઓછા ભાવે વેચી મારે. જેઓ ખેડૂત નથી તેઓ ખેતીની જમીનો ખરીદવા નીકળે તો શક્ય છે કે માંગ વધવાને લીધે જમીનોના ભાવ વધે અને હાલ જેઓ ખેડૂત છે તેમને વધુ ભાવ મળે.
બિન-ખેડૂત વ્યક્તિગત રીતે ખેડૂત થઈ જ ના શકે એવા કાયદા તદ્દન બિન-તાર્કિક છે. જો એમ જ રાખવું હોય તો પછી જે ખેડૂત સંતાનો બીજા વ્યવસાયમાં જાય તેઓ ખેતી ના કરી શકે અને ખેડૂત ના રહી શકે એવું કરી શકાય? એવું તો થાય જ નહિ ને! ખેડૂતો કે તેમનાં સંતાનો બીજું કંઈ ન થઈ શકે, તેમણે તો ખેતી જ કરવાની, એવું થઈ શકે? ના, એવું પણ ના થઈ શકે. તો કોઈ પણ બિન-ખેડૂતને પણ ખેડૂત થવા દો ને.