ભારત જોડો યાત્રા શામાટે?
દક્ષિણમાં કન્યાકુમારીથી લઈ ઉત્તરમાં કાશ્મીરના શ્રીનગર સુધી 3,570 કિલોમીટરની; 150 દિવસની ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરુ થઈ છે. 12 રાજ્યોમાંથી આ પદયાત્રા પ્રસાર થશે. રાજ્યોમાં પેટા સમર્થક યાત્રાઓ પણ નીકળશે.
આ યાત્રાનો ઉદ્દેશ શું છે? દેશમાં સાંપ્રદાયિક બળો; નફરત/હિંસા ફેલાવી રહ્યા છે; બંધારણીય મૂલ્યો-સમાનતા/સ્વતંત્રતા/ન્યાય/બંધુત્વ ઉપર પ્રહાર કરી રહ્યા છે. ગાંધીજીના હત્યારાઓને દેશભક્ત તરીકે રજૂ કરીને હિંસાનું ખૂલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે; ભારત તોડોના કામમાં લાગેલી વિકરાળ શક્તિઓ વચ્ચે ભારત જોડો આંદોલન દેશહિત/લોકહિત માટેનું છે. દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે, બંધુત્વની ભાવના તૂટી રહી છે; મોંઘવારી/બેરોજગારી વગેરે મુદ્દાઓથી ધ્યાન હટાવવા કોર્પોરેટ ટીવી ચેનલો નફરતી ચર્ચાઓ કરી રહી છે; તેની સામે દેશના લોકોને જોડવાનો આ યાત્રાનો હેતુ છે. આપણે અલગ અલગ ધર્મ/જાતિ/રંગ/ભાષામાં વહેંચાયેલા છીએ; અલગ અલગ ભાવનાઓ છે. 130 કરોડ લોકોના દેશને એક રાખવા માટે ભાઈચારો/પોતાનાપણું/એક બીજા પ્રત્યે સંવેદનાની ભાવના છે; તે ખોવાઈ ન જાય તે માટે આ યાત્રા છે. યાત્રાની ટેગ લાઈન છે-‘મિલે કદમ, જુડે વતન.’ દેશ અને બંધારણીય મૂલ્યોને બચાવવા; ભગતસિંહ/ગાંધીજી વગેરે હજારો શહિદોની શહીદી એળે ન જાય તે માટે ભરવામાં આવેલું સાચી દિશાનું ઐતિહાસિક પગલું છે. આ યાત્રા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડપણ હેઠળ નીકળી રહી છે; સ્વાભાવિક છે કે કોંગ્રેસ પોતાને મજબૂત કરવા ઈચ્છે છે. કોઈપણ રાજકીય પક્ષ હકારાત્મક યાત્રાઓ યોજે તે લોકજાગૃતિ માટે/લોકશાહીની તંદુરસ્તી માટે આવશ્યક છે. જ્યારે કોર્પોરેટ મીડિયા/ ગોદી મીડિયા વિપક્ષનું ચરિત્રહનન કરતું હોય; સત્તાપક્ષ દ્વારા વિપક્ષનો અવાજ સંસદમાં રુંધવામાં આવતો હોય; IT Cell દ્વારા સોશિયલ મીડિયામાં સતત જૂઠ પીરસવામાં આવતું હોય; ત્યારે વિપક્ષ પાસે એક જ રસ્તો છે, લોકો વચ્ચે જવાનો ! સત્તાપક્ષ સત્તા માટે લોકો વચ્ચે ધૃણા ફેલાવે છે; વિપક્ષ લોકોને જોડવાની વાત કરે છે; આ તફાવત સમજવાનો છે. ભારત જોડો યાત્રા ‘મન કી બાત’ નથી; ‘જન કી બાત’ છે !
સ્વાભાવિક છે કે સત્તાપક્ષને આ યાત્રા ન ગમે; તેમની દલીલ છે કે “આ તો ‘રાહુલ ગાંધી બચાઓ યાત્રા’ છે ! ઢોંગ છે !” સિવિલ સોસાયટીના 240 પ્રસિદ્ધ હસ્તીઓએ; ‘ભારત જોડો યાત્રા’માં જોડાવા લોકોને અપીલ કરી છે. સિવિલ સોસાયટીમાં; સ્વરાજ ઇન્ડિયાના સ્થાપક યોગેન્દ્ર યાદવ/ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા આનંદ પટવર્ધન/ ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના અનિલ સદગોપાલ/ નાગરિક અધિકાર કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ/ થીએટર આર્ટિસ્ટ અનુરાધા કપૂર/ પત્રકાર મૃણાલ પાંડે/પૂર્વ સાંસદ ધર્મપાલ ગાંધી વગેરે સામેલ છે. સિવિલ સોસાયટીની દલીલ છે કે “ભારતમાં ગણતંત્ર પર ખતરો છે ! આપણા ગણતંત્રના મૂલ્યો પર અગાઉ ક્યારેય જઘન્ય હુમલા થયા નથી; જેટલા હાલના સમયે થઈ રહ્યા છે. આ પહેલાં ક્યારેય સમુદાયોમાં નફરત/વિભાજન/કોઈને હાંસિયામાં ધકેલવાની કોશિશ આટલી બેરહમીથી થઈ નથી. આ પહેલાં ક્યારેય કિસાનો/ શ્રમિકો/ દલિતો/ આદિવાસીઓ/મહિલાઓ/ ધાર્મિક લઘુમતીઓને આ પ્રકારના રાષ્ટ્રીય સંકટનો સામનો કરવો પડ્યો નથી. આ નિર્ણાયક ક્ષણ છે. આપણે નિર્ણય કરવાનો છે !” સાર એટલો કે કોઈ પણ પક્ષ; ગોડસેવાદી સત્તાનો વિરોધ કરે તો તેમનો અવાજ બુલંદ બને તે માટે સહયોગ આપવો જોઈએ !