અમદાવાદ
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પર ગાંધીવાદી હેમંત શાહે કેમ સાધ્યું નિશાન
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પર ગાંધીવાદી હેમંત શાહે કેમ સાધ્યું નિશાન
કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રત રાજ્યની યુનિવર્સિટીઓમાંથી કમસેકમ ૫૬+૧૫૬ ટ્રક ભરીને કચરો કાઢી શકે તેમ છે હેમંત શાહ
આચાર્ય દેવવ્રત યુનિવર્સિટીઓમાંથી ૫૬+૧૫૬ ટ્રક કચરો કાઢી શકે!
કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રત રાજ્યની યુનિવર્સિટીઓમાંથી કમસેકમ ૫૬+૧૫૬ ટ્રક ભરીને કચરો કાઢી શકે તેમ છે!
આચાર્ય દેવવ્રત મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટના કહેવાતા નિમંત્રણથી ચાન્સેલર એટલે કે કુલપતિ થયા છે. આમ તો આ નિમંત્રણ ગર્ભિત રીતે થયેલી ગોઠવણ મુજબ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જ કહેવાય! અને એમનું તો નિમંત્રણ ના હોય, આદેશ હોય!
પરંતુ આચાર્ય દેવવ્રત જે ગુજરાતમાં મહાત્મા ગાંધી જન્મ્યા હતા તે ગુજરાતના રાજ્યપાલ તો છેલ્લાં કેટલાંક વર્ષોથી છે. આ હોદ્દાની રૂએ તેઓ રાજ્યની સહાયથી ચાલતી ૧૫થી વધુ યુનિવર્સિટીઓના ચાન્સેલર એટલે કે કુલાધિપતિ છે.
તેમણે જે ધગશથી અને ઉત્સાહથી જાતે સફાઈ કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન ચલાવ્યું તે તો ખરેખર પ્રશંસનીય છે! તેમનો કે મોદી સરકારનો ઈરાદો કે બદઈરાદો એની પાછળ ગમે તે હોઈ શકે છે.
આ અભિયાનથી પ્રેરાઈને આ મુદ્દા કહેવાનું મન પણ થાય છે:
(૧) તેઓ જે સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ છે ત્યાં પણ તેઓ સફાઈ અભિયાન જાતે સફાઈ કરીને જ ચલાવે. ત્યાંથી કમસેકમ ૫૬+૧૫૬ ટ્રક ભરીને કચરો તેમને મળી જ રહેશે એની ખાતરી છે.
(૨) આ યુનિવર્સિટીઓના અધ્યાપકો કે કર્મચારીઓ જો તેમના સફાઈ અભિયાનમાં ના જોડાય તો તેમણે આજે જે ફરિયાદ ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને કર્મચારીઓ માટે કરી છે તેવી જ ફરિયાદ તેમને એમને માટે પણ જાહેરમાં કરવાની તક મળી શકે છે.
(૩) ગાંધીના ચશ્મા ઊંધા કરીને એક બાજુ સ્વચ્છ અને બીજી બાજુ ભારત લખીને જે સ્વચ્છતા મિશન ચલાવવામાં આવ્યું છે તે મિશન જ કેટલું સ્વચ્છ છે તેની ખાતરી પણ તેઓ ગુજરાતનાં ૮ મહાનગરપાલિકાઓ, ૧૫૯ નગરપાલિકાઓ અને ૧૪૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં પણ કરે તો સારું. એકલું ગાંધીનગર જ સ્વચ્છ રહે તે કેવી રીતે ચાલે? એ બધે પણ તેઓ આ સફાઈ અભિયાન ચલાવે તો સારું.
રાજ્યપાલ આટલું કરે તો જેમ એપીજે અબ્દુલ કલામ લોકોના રાષ્ટ્રપતિ કહેવાયા હતા તેમ આચાર્ય દેવવ્રત પણ લોકોના રાજ્યપાલ બની જાય. તેમને માટે આ એક અત્યંત સોનેરી તક છે ગુજરાત સરકાર અને દેશની સરકારને એક સ્વચ્છ સંદેશ આપવાની.
આચાર્ય દેવવ્રતને મહાત્મા ગાંધી વતી પણ અભિનંદન! તેઓ લોકોના રાજ્યપાલ બનવા તરફ આગળ વધે તો વધુ અભિનંદન આપવાની તક અમને પણ મળશે!