ઇન્ડિયા
CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ
પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એમસીડી ચૂંટણી મોકૂફ કરાવવાના આક્ષેપ સાથે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર પર નિશાન સાધ્યું છે.
અરવિંદ કેજરીવાલે આ મામલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, ચૂંટણી પંચ આજ રોજ MCD ચૂંટણી તારીખની જાહેરાત કરવાનું હતું.
જોકે, આ જાહેરાતના એક કલાક પહેલા જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખી દિલ્હીના ત્રણેય નગર નિગમોને ભેળવી દઈ એક નગર નિગમ બનાવવા ઈચ્છીએ છીએ તેમ જણાવી આ ચૂંટણી મોકૂફ કરવા કહ્યું હતું. જે બાદ ચૂંટણી પંચે સાંજે 5 કલાકે ચૂંટણી મોકૂફ કરવાની જાહેરાત કરી દીધી.
આ મામલે કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ડરી ગઈ છે. તેમણે જણાવ્યું કે, ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી હોય. કેજરીવાલે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે ચૂંટણી પંચના આ નિર્ણય અંગે પીએમ મોદીને અપીલ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી સરકારો આવતી જતી રહે છે. આપણે કોઈ મહત્વના નથી, પાર્ટીઓ પણ મહત્વની નથી, માત્ર આપણો દેશ મહત્વનો છે. તેમણે કહ્યું કે, જો આપણે ચૂંટણી પંચ પર દબાણ લાવીએ છીએ તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડે છે. કોઈ ચૂંટણી મોકૂફ થાય છે તો તેનાથી દેશ પણ નબળો પડે છે.