કોણે કહ્યુ શેર બજારના વધ-ઘટથી ગભરાશો નહીં, ‘ભારત’ છે સમગ્ર દુનિયાનું બેસ્ટ ‘ઇક્વિટી માર્કેટ’
ભારતીય શેરબજારમાં ભલે ભારે અસ્થિરતા દેખાઇ રહી હોય તેમ છતાં તે હાલ એશિયા જ નહીં પણ સમગ્ર દુનિયામાં સૌથી બેસ્ટ ઇક્વિટી માર્કેટ છે એવું કહેવુ છે વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જેફરીઝના વડા ક્રિસ્ટોફર વુડ્સનું. તેમના મતે ભારતમાં વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી વચ્ચે પણ જે રીતે ત્યાંના સ્થાનિક બજારે મજબૂતી-મક્કમતા દેખાડી છે તે ખરેખર અદભૂત છે.
એક ઇન્ટરવ્યૂહમાં ક્રિસ્ટોફર વુડ્સે કહ્યુ કે, જો કોઇ સંજોગોમાં ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સ તૂટીને 14,000ના લેવલે આવી જાય તો તે પોતાના મોડલ પોર્ટફોલિયોમાં ભારતનું વેઇટેજ વધારશે, તેનો શ્રેય રિયલ્ટી માર્કેટમાં આવી રહેલી તેજી અને દેશા વિશાળ સ્થાનિક કન્ઝ્યુમર માર્કેટને આપે છે.
એશિયા-પેસિફિક રિજનમાં રોકાણ માટે બનાવેલા ક્રિસ્ટોફર વુડ્સના મોડલ પોર્ટફોલિયોમાં ભારતનું વેઇટેજ 14 ટકાના સર્વોચ્ચ સ્તરે છે. જે સંકેત આપે છે કે ભારતીય માર્કેટમાં કોઇ મોટી અફરાતફરીની આશંકા નથી. તેમણે ઉમેર્યુ કે, અમારી માટે આ વર્ષ એક કોન્સોલિડેટેડ યર છે, જેમાં માર્કેટના કરેક્શન વખતે તમે તમારા પોર્ટફોલિયોમાં મનપસંદ સ્ટોક ઉમેરી શકો છો.
તાજેતરમાં રિઝર્વ બેન્ક દ્વારા એકાએક વ્યાજદરમાં વૃદ્ધિને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યુ કે, જો સમયસર પગલાં ભર્યા ન હોત તો રૂપિયાના મૂલ્યમાં મોટું ધોવાણ થયુ હોત. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં બેથી અઢી ટકાની વૃદ્ધિ મોંઘવારીને અંકુશમાં રાખવા માટે પુરતી હશે. જ્યારે સ્થાનિક ફંડ હાઉસો ત્રણ ટકા વ્યાજદર વધવાની આશંકા દર્શાવી રહ્યા છે. રિયલ્ટી સ્ટોક ઉપરાંત તે એનર્જી સેક્ટર પર બુલિશ છે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતો 150 ડોલર પ્રતિ બેરલના લેવલને વટાવી જશે તેવી અપેક્ષા ધરાવે છે.