ગુજરાતમાં શિક્ષકોના પ્રશ્ને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક સંઘ સક્રિય છે જોકે કેટલાક સમયથી લોકોમાં બંને સંગઠનો પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ છે ખરેખર આ બંને સંગઠનો શિક્ષકોના હિત માટે કામ કરે છે કે વક્તિગત સ્વાર્થ સાધવા બેઠા છે તેવા અનેક સવાલો શિક્ષકોના મન માં ઉઠે છે ત્યારે એક શિક્ષક દ્વારા પત્ર લખ્યો છે જે અત્યારે શિક્ષકોમાં વાયરલ થઇ રહ્યો છે જેનો જવાબ બંને સંગઠકોના મોભીઓ આપે તો સત્ય બહાર આવી શકે
પ્રતિ,
સર્વે શિક્ષક ભાઈઓ અને બહેનો..
આપ સર્વે જાણતા હશો કે આપણા રાજ્યમાં ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ અને પ્રા. શૈક્ષિક મહાસંઘ કાર્યરત છે. મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. જે આપ સૌ સમક્ષ રજૂ કરું છું.
1. બંને સંગઠનો એકબીજા પર સરકાર તરફી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષમાં બનેલા બે બનાવ ધ્યાને લેવા જરૂરી છે. સર્વેક્ષણનો બહિષ્કાર પ્રા. શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યો ત્યારે પ્રાથમિક શિક્ષક સંઘે પોતાના જિલ્લા સંગઠનો દ્વારા વિરોધ કરવા છતાં સર્વેક્ષણને સમર્થન આપ્યું. સરકારી પ્રવક્તાની જેમ રાજ્યના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મીડિયામાં નિવેદનો આપવામાં આવ્યા. શામ/દામ/દંડ/ભેદની નીતિ અપનાવી શિક્ષકોને સર્વેક્ષણમાં બેસવા માટે મનાવવા પડ્યા. છતાં 80 ટકાથી વધુ શિક્ષકો આ સર્વેક્ષણમાં ના જોડાયા.
2. દરેક સંગઠનો દ્વારા અધિવેશન થતા હોય છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હમણાં ત્રણ વર્ષ પૂર્વે જ ખૂબ જ ઉત્તમ કક્ષાનું રાષ્ટ્રીય અધિવેશન ખેરવા મુકામે થયેલ હતું. જેમા સંગઠન અને સમાજના આગેવાનો દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો. હમણાં જ દિવાળી વેકેશનમાં પણ બેંગ્લોર મુકામે રાષ્ટ્રીય અધિવેશન થયું એમા પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો સ્વ ખર્ચે ગયા હતા.આ અધિવેશનોમાં ક્યાંય રાજ્ય સરકારની તરફદારી જોવા મળેલ નથી. જ્યારે બીજી બાજુ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ માટે યોજાનાર અધિવેશન માટે સ્વૈચ્છિક ફાળો પગારમાંથી કપાત કરવા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ પરિપત્ર કરે છે. અધધધ કહી શકાય એવી કરોડો રૂપિયાની ઉઘરાણી આના દ્વારા થવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વધારાની રકમ સંઘમાં જમા કરાવવામાં આવશે. રાજ્ય સંઘમાં પહેલાથી જ શિક્ષકોના કરોડો રૂપિયા જમા પડ્યા જ છે ત્યારે શું જરૂર છે આવા ફાળો ઉઘરાવવાની. ચોક્કસ પણે આમાં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘની પડખે હોય એવું જણાઈ આવે છે.
3. જૂની પેંશન યોજના પુનઃ લાગુ કરવાનું આંદોલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અસ્તિત્વમાં આવ્યા પછી જ કેમ ચાલુ થયું. વર્ષ 2005 થી 2019 સુધી કેમ કોઈ કશું બોલ્યા જ નહીં. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યા પછી જ કેમ ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ આંદોલન કરવા લાગ્યું. શુ 2005 થી 2019 સુધી ગુજ. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સરકારની તરફે હતું ? આવો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.
મિત્રો, આપણે સૌએ વિચારવું જ રહ્યું કે વર્ષ 2019 પહેલાં શિક્ષકોના પ્રશ્નો બાબતે કેટલી રજૂઆત થઈ અને પછી જ કેમ રજૂઆતો અને પરિણામોનું ઘોડાપૂર આવ્યું. આપ સૌને વિનંતી છે કે તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ પ્રા. શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતો અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને પરિણામો સરખાવી જોશો. ચોક્કસ પણે આપને બંને સંગઠનો વચ્ચેનો તફાવત જણાઈ આવશે.કયો સંઘ શિક્ષકોના તરફે અને કયો સંઘ સરકાર/સિસ્ટમ તરફે છે એ સ્પષ્ટ સમજાઈ જશે.
લી.
એક મૂંઝાયેલો શિક્ષક