ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જૂની કલાર્કની ભરતી હાથ ધરવામાં આવી હતી જેની લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ચાર સવાલો ઉઠાવ્યા છે.જેનો રાજય સરકારે જવાબ આપવો જોઈએ જોકે રાજય સરકારના પ્રવક્તાએ આ બાબતે જવાબ આપવાની પણ તસ્દી લીધી નથી.9.5 લાખ કરતા વધુ યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે ત્યારે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ ચેડાં ના કરે તે રીતે એપ્રિલ મહિના ના બીજા અઠવાડિયામાં લેવાનાર પરીક્ષામાં કાળજી રાખવી જોઈએ..ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ લખેલ પત્ર ને જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ મુખ્યમંત્રીશ્રીને લખેલ પત્ર.
અતિ અગત્યનું
તા. ૯-૦૨-૨૦૨૩
પ્રતિ,
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય,
સચિવાલય, ગાંધીનગર.
માનનીય મુખ્યમંત્રીશ્રી,
નમસ્તે,
તાજેતરમાં ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ જુનિયર કલાર્કની ૧૧૮૧ પદ માટેની ભરતી અંગે ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ એ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ગુજરાત પંચાયત પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જેના લીધે ૯.૫ લાખ જેટલા અરજીકર્તા ગુજરાતના યુવાન-યુવતીઓ માનસિક-આર્થિક અને શારીરિક મુશ્કેલીનો ભોગ બન્યા. સમગ્ર તપાસમાં જે રીતે પોલીસ કામગીરી ચાલી રહી છે.તેની વિગતો વર્તમાનપત્રોમાં સામે આવે છે. સમગ્ર પેપરલીક કાંડમાં જે જે લોકો હાલ આરોપી તરીકે પોલીસે ધરપકડ કરેલ છે તેમની મોટા ભાગના આરોપીનું ભૂતકાળ ગેરરીતી-કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. બોર્ડના સભ્યશ્રી રાધિકા કચોરીયા જે ભાજપાના પદાધિકારી છે. પેપરલીક ઘટના બાદ તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સમગ્ર પરીક્ષાની કામગીરી આઉટસોર્સ એજન્સીને આપેલ છે. જે અંગે બોર્ડની જાણમાં હોતું નથી અને ખાનગી ( Confidential ) હોય છે. ત્યારે સૌથી અગત્યની બાબતો અંગે રાજ્ય સરકારનું મૌન ચિંતાજનક છે.ત્યારે નીચેના પ્રશ્નો અંગે ગુજરાતના લાખો યુવાન-યુવતીઓ જાણવા માંગે છે કે
૧) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રિન્ટીંગ અંગે બોર્ડના કયા પદાધિકારી- અધિકારીએ નિર્ણય કર્યો હતો?
૨) પ્રિન્ટીંગ પ્રેસ પસંદ કરી તેને જુનિયર ક્લાર્કના પેપરની છપામણીનો કોન્ટ્રકટ અંગે ખાનગી બાબત હોઈ તો પછી પેપર લીક કરનાર તત્વોને માહિતી આપનાર કોણ? શું બોર્ડનાં કોઈ અધિકારી- પદાધિકારીની સંડોવણી છે ?
૩) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ખાનગી કામો માટેની એજન્સીની જવાબદારી શું ? તેની સામે ક્યાં પગલા ભરાયા?
૪) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેના કાયદા મુજબ સંપૂણ સરકારી બોર્ડ છે તો પછી તેની ગુપ્ત-ખાનગી કામગીરી આઉટસોર્સ એજન્સીને સોપવાનો નિર્ણય કોનો હતો?
આ સંજોગોમાં, ગેરરીતિનું મોડલનું પુનરાવર્તન ન થાય, ભરતી પ્રક્રિયામાં રાજ્યના પ્રયત્નોમાં દાખલારૂપ સજા થાય તો જ વારંવાર પેપરલીકની ઘટનાઓ રોકી શકાશે.ગુજરાતના યુવાનોને ન્યાય આપી શકાશે.
(ડૉ. મનિષ એમ. દોશી)
કન્વીનર અને પ્રવક્તા,
મીડિયા ડિપાર્ટમેન્ટ,ગુજરાત કોંગ્રેસ
મો. ૯૪૨૬૦૦૧૫૯૯
નકલ રવાના:-
૧) માન. પંચાયત મંત્રીશ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર.
૨) માન. ચેરમેન, ગુજરાત પંચાયત પસંદગી મંડળ, ગાંધીનગર.