વડોદરાના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ, વિહવ અને આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં પડેલા ઈન્કમટેકસના દરોડા દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં 110 કરોડ રૂપિયાના બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ સાથે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરાયેલા 25 બેંક લોકરોની પણ તપાસ કરાઈ રહી છે.
બિલ્ડર ગ્રૂપ અને આર્કિટેકના ત્યાંથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 50 જેટલા ઈલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે કોમ્પ્યુટર લેપટોપ સહિતના સાધનો કબજે લેવામાં આવ્યા હતા. જે અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે. સર્ચના પ્રથમ તબક્કામાં ડિજિટલ એન્ટ્રીઓ અંગે ઈન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું હતું. ત્યારે આ લેપટોપ અને અન્ય ઉપકરણો માંથી વધુ બેનામી સંપત્તિઓ અને હિસાબો મળવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારી બાદ વડોદરામાં પડેલા ઈન્કમટેકસના પ્રથમ દરોડામાં અધઘ 110 કરોડનું જંગી કાળું નાણું તેમજ બિનહિસાબી નાણાંના વ્યવહારો મળી આવતા શહેરમાં ફરી એક વખત ચર્ચા જાગી છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગત મહિને પાડવામાં આવેલા દરોડામાં 35 જેટલા સ્થળ ઉપર એક સાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
ઈન્કમટેકસ વિભાગ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરતા રૂપિયા 110 કરોડના બેનામી કહી શકાય તેવા નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ કરોડો રૂપિયાની જ્વેલરી અને ગોલ્ડ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જે અંગે તેની ખરીદીના બિલના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.