ગાંધીનગર
USFDAની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે
USFDAની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે
…………………………
તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે
ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે
…………………………
USFDAનું ડેલીગેશન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની સૌજન્ય મુલાકાત કરશે
…………………………
USFDAની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે આવી છે જે અંતર્ગત આવતીકાલે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
તેમણે વિગતો આપતાં કહ્યું હતું કે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે. સૌ પ્રથમ વર્ષ ૨૦૧૦માં USFDAના બ્રુસ રોઝ, કન્ટ્રી ડાયરેક્ટર સૌ પ્રથમ વાર ગુજરાત FDCAની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ “FDCA ગુજરાત-USFDA રેગ્યુલેટરી ફોરમ” બંન્ને સંસ્થાઓ વચ્ચે નોલેજ શેરીંગ, ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ અને ઇનફોર્મેશન શેરીંગ કરવાના હેતુ અર્થે રચના કરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ એડવાન્સમેન્ટ અને અન્ય કાયદાકીય સંબંધિત માહિતીની ચર્ચા માટે બંને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે ત્રિમાસિક બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે યોજાનાર આ બે દિવસીય ફોરમમાં USFDAના ડૉ. સારાહ મેકમુલન, કન્ટ્રી ડિરેક્ટર; શ્રી ગ્રેગરી સ્મિથ, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત; શ્રી ફિલ ગુયેન, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત; શ્રી ધ્રુવ શાહ, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર; ડો.સુધીન્દ્ર કુલકર્ણી, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર તથા FDCA, ગુજરાતના અધિકારીઓ સહભાગી થશે.
ખોરાક અને ઔષધ નિયમન કમિશનરશ્રીએ માહિતી આપતાં કહ્યું હતુ કે, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ગુજરાત એફડીસીએ) વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે. આ બંન્ને રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે કરવામાં આવતી કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગેની ચર્ચા કરવામાં આવે છે જેના થકી બંન્ને સંસ્થાઓના અધિકારીઓના જ્ઞાનમાં વધારો થશે જે લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પુરુ પાડવામાં મદદગાર પુરવાર થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન FDCA ગુજરાત અને USFDAના અધિકારીઓ એકબીજાની દવા ચકાસણીની પધ્ધતિઓ, સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરશે. ઉપરાંત યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇંસ્પેકશનમાં ગુજરાત FDCAના અધિકારીઓ ભાગ લેશે તે બાબતે ચર્ચા વિચારણા થશે. આ રીતે બંને સંસ્થાઓના અધિકારીઓ વચ્ચે ટેકનીકલ જ્ઞાનનું આદાન-પ્રદાન કરશે. જે અન્વયે તેઓ સહજાનંદ લેસર ટેકનોલોજી લિ., ગાંધીનગરની મુલાકાત લેશે કે જે ભારતની અગ્રણ્ય કાર્ડિયાક સ્ટેન્ટ-મેડીકલ ડિવાઇસની ઉત્પાદન કરતી કંપની છે.
USFDAના અધિકારીઓ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત પણ લેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય દેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતના કુલ ફાર્મા ઉત્પાદન કે જે ૪૯ બિલીયન યુએસ ડોલર છે જેમાં ગુજરાત ખાતે આવેલી આશરે ૫,૦૦૦ દવા ઉત્પાદકોનો સિંહ્ફાળો છે. આ ફોરમની મદદથી નાગરિકો માટે ઉપલબ્ધ દવાઓની અને ખોરાક્ની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશ અન્વયે ગુજરાતમાં ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થઇ રહી છે અને તેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા બલ્ક ડ્રગ પાર્ક માટે ગુજરાતની પસંદગી પણ કરાઈ છે. વધુમાં ગુજરાતમાં ભારતની સૌપ્રથમ NABL દ્વારા પ્રમાણિત લેબોરેટરી વડોદરા ખાતે કાર્યરત છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ફાર્માસ્યુટિકલ ઉધોગના વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે.