, પહેલાના સમયમાં ચૂંટણી વખતે સમાજના વિવિધ વર્ગો વચ્ચે વિગ્રહ-મનભેદ કરાવવાના પ્રયાસો થતાં પરંતુ છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માત્ર વિકાસના મુદ્દે, વિકાસના આધારે જ ચૂંટણી લડાય છે.ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડબગર સમાજનો ગાંધીનગર ખાતે
સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ડબગર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું
………
-: મુખ્યમંત્રી
નીતિ આયોગના અહેવાલ પ્રમાણે દેશમાં ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન સર્વશ્રેષ્ઠ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનું અર્થતંત્ર ફૂલી-ફાલી રહ્યું છે
ગુજરાત સરકારે સૌ સમાજને સાથે લઈ ચાલવાની નીતિ-રીતિ અપનાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન દેશમાં સર્વશ્રેષ્ઠ છે. આ વર્ષનું સરકારનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ડબલ એન્જિનની સરકારને પરિણામે ગુજરાત વિકાસના માર્ગે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત ડબગર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. ડબગર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું.
આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સરકારનો જનહિતકારી અભિગમ-સરકારનું સુશાસન જનતા ૨૦ વર્ષથી અનુભવી રહી છે, તો છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોના વિકાસલક્ષી સંયુક્ત પ્રયાસોને પણ લોકોએ જોયા છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનું અર્થતંત્ર ફૂલી-ફાલી રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ ભારતે બ્રિટનને પાછળ રાખી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમીનું સ્થાન મેળવી લીધું છે. ભારતનો જી.ડી.પી. ગ્રોથ રેટ ૧૩ ટકા જેટલો થયો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારોએ કોવિડ નિયંત્રણ, વ્યાપક રસીકરણ અને સારવારના જે પગલાં લીધાં તેની નોંધ વિશ્વના દેશોએ પણ લીધી છે. માત્ર એટલું જ નહીં, વડાપ્રધાનની વિદેશ નીતિને પરિણામે ભારતનું ગૌરવ અને અસ્મિતા વિદેશમાં પણ વધ્યા છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે સૌ સમાજને સાથે લઈ ચાલવાની નીતિ-રીતિ અપનાવી રાજ્યના વિકાસની કેડી કંડારી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈ પણ સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. સમાજમાં શિક્ષણ જેટલું વધશે, તેનો વ્યાપ વધશે તેટલી સમાજની પ્રગતિ થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આટલા મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને તોડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, સ્વચ્છતા અભિયાન, ઓપન-ડિફેકેશન ફ્રી, ઉજ્જવલા અને ઉજાલા સહિતની અનેક વ્યાપક પહેલને સફળ કરી બતાવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પહેલાના સમયમાં ચૂંટણી વખતે સમાજના વિવિધ વર્ગો વચ્ચે વિગ્રહ-મનભેદ કરાવવાના પ્રયાસો થતાં પરંતુ છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માત્ર વિકાસના મુદ્દે, વિકાસના આધારે જ ચૂંટણી લડાય છે.
આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડબગર સમાજના અગ્રણી સર્વે મણીભાઈ ડબગર, નરેશભાઈ ડબગર, ચીમનભાઈ ડબગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.