વધતી મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મેગી અને ચાના રસિયાઓ (tea lovers)એ હવે આ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને નેસ્લેએ તેની ઘણી પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. ચા, કોફી, દૂધ અને નૂડલ્સની કિંમત 14 માર્ચ એટલે કે આજથી વધી ગઈ છે. HULએ બ્રુ કોફીની કિંમતમાં 3-7% અને બ્રુ ગોલ્ડ કોફી જારની કિંમતમાં 3-4%નો વધારો કર્યો છે. ઇન્સ્ટન્ટ કોફી પાઉચના ભાવ પણ 3%થી લઈને 6.66% સુધી વધી ગયા છે.
આ સિવાય, તાજમહેલ ચાની કિંમતમાં 3.7 ટકાથી લઈને 5.8 ટકા સુધીનો વધારો થયો છે. બ્રુક બોન્ડ (Brooke Bond)ની તમામ પ્રકારની ચાની કિંમતો 1.5%થી લઈને 14% સુધી વધી છે. HULએ કહ્યું કે, સતત વધી રહેલી મોંઘવારીને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.
મેગીની કિંમત 9થી 16% સુધી વધી
નેસ્લે ઈન્ડિયાએ પણ મેગીના ભાવમાં 9થી 16 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય કંપનીએ દૂધ અને કોફી પાવડરની કિંમતોમાં પણ વધારો કર્યો છે. હવે વધેલી કિંમત બાદ મેગીના 70 ગ્રામના એક પેકટ માટે 12 રૂપિયાને બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ 140 ગ્રામ મેગી મસાલા નૂડલ્સ માટે તમારે 3 રૂપિયા વધુ ચૂકવવા પડશે. પહેલા 560 ગ્રામ મેગીના પેક માટે 96 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તેના માટે 105 રૂપિયા ચૂકવવા પડશે.
આ વસ્તુઓની પણ વધી કિંમત
નેસ્લેએ એક લિટરવાળા A+ દૂધની કિંમત પણ વધારી છે. પહેલા આ માટે 75 રૂપિયા ચૂકવવા પડતા હતા, જ્યારે હવે 78 રૂપિયા ચૂકવવા પડે છે. નેસ્કાફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે. તો નેસકાફેનું 25 ગ્રામનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે 145 રૂપિયાના બદલે 50 ગ્રામ નેસકાફે ક્લાસિક માટે 150 રૂપિયા ચૂકવવા પડશે.