ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારોહમાં આઠને ગોલ્ડમેડલ : કુલ ૧૦૧ છાત્રોને અપાઈ ડિગ્રી
ચાર ટૉયવાનનું લોકાર્પણ : યુનિ. દ્વારા પ્રકાશિત ૧૪ પુસ્તકો, બાળકો માટે એક ગેમનું થયું વિમોચન
ગાંધીનગરઃ 24-04-2022
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ૨૪મી એપ્રિલને રવિવારે માનનીય કુલાધિપતિ અને ગુજરાતના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. જેમાં ૮ વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે ગોલ્ડમેડલ એનાયત કરાયા. આ સમારોહમાં કુલ ૧૦૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ૧૪ પુસ્તકો તેમજ ટૉય ઈનોવેશન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ગેમ ‘ક્લાઈમેટો ચેન્જ’નું પણ વિમોચન કરવામાં આવ્યું.
આ અવસરે અતિથિ વિશેષ માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના માનનીય શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, સમારોહના ઉપાધ્યક્ષ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ હર્ષદભાઈ શાહ તેમજ રાજ્યના ઉચ્ચશિક્ષણના માનનીય અગ્રસચિવ એસ. જે. હૈદર સહિતના મહાનુભાવોએ ટૉય ઈનોવેશન વિભાગની ચાર ટૉયવાનનું લોકાર્પણ કર્યું અને લીલીઝંડી આપીને ચારેય વાનને પ્રસ્થાન કરાવ્યું.
ગાંધીનગરમાં આયોજિત આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આદરણીય કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, વર્તમાન સમયમાં આખી દુનિયા ભૌતિકવાદની પાછળ દોડ લગાવી રહી છે ત્યારે, આગામી સમયની જરૂરિયાત સમજીને ભારતીય મૂલ્યોને સમર્પિત હોય તેવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. લોકો આજે મોટા-મોટા ભવનોથી લઈને કારખાનાઓ, રેલવેલાઇન વગેરે સહિતની ભૌતિક સુવિધાઓનું નિર્માણ કરી રહ્યા છે, પણ સૌથી મહત્ત્વનું નિર્માણ “મનુષ્ય નિર્માણ” છે. વિશ્વમાં જેની ગણના ભોગમાં થતી એ બાળકોનો જન્મ અહીં ભારતમાં આરાધના સમાન હતો. આપણે ત્યાં ૧૬ સંસ્કારોના માધ્યમથી ઉત્તમ મનુષ્યનું નિર્માણ કરવામાં આવતું. આ પ્રક્રિયામાં માતા-પિતાથી લઈને શિક્ષકો અને પરિવારના તમામ સભ્યોને સાંકળવામાં આવતા. ઉત્તમ મનુષ્ય થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનિર્માણ અને વિશ્વ કલ્યાણની ભાવના એ ભારતીય ચિંતન રહ્યું છે. યુનિવર્સિટીના આ વિચારને સૌ દીક્ષિત વિદ્યાર્થીઓ એક ભાવના સાથે આગળ વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અતિથિ વિશેષ અને રાજ્યના માનનીય કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આપણી ઋષિ પરંપરા, ગર્ભ સંસ્કાર, સોળ સંસ્કારો જે આપણી સંસ્કૃતિનો ભાગ હતા, એ પરંપરા કોઈ કારણસર ભુલાતી જતી હતી, તેની પુનઃ સ્થાપના કરવા માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી છે. આ યુનિવર્સિટી આજે બીજમાંથી વટવૃક્ષ બની રહી છે.
રાજ્યકક્ષાના માનનીય શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે કહ્યું કે, વર્તમાન સમયમાં સમાજમાં અનેક દુર્ઘટનાઓ, બદીઓ, પ્રશ્નો જોવા મળે છે. જો માણસ સંસ્કારી હશે તો સમાજમાંથી આ બદીઓ ઓછી થઈ જશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંસ્કારી મનુષ્યોના નિર્માણનું કાર્ય ગર્ભસંસ્કાર જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી કરી રહ્યું છે.
કાર્યક્રમના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, આ યુનિવર્સિટીએ અત્યાર સુધીની ૧૩ વર્ષની યાત્રામાં વિશિષ્ટ ઊંચાઈ પ્રાપ્ત કરી છે અને આગળ વધી રહી છે. આ વિદ્યાલયનો આરાધ્યદેવ બાળક છે. તેમણે યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો, સાથે ટૉયવાન માટે બી.પી.સી.એલ.એ આપેલા ૪.૮૦ કરોડના અનુદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ પદવીદાન સમારોહની ઔપચારિકતા સંભાળી હતી. કાર્યક્રમના અંતે તેમણે સૌની આભારવિધિ કરી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આ દ્વિતીય પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ-વાલીઓ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઈ.સી. તથા જી.સી. કાઉન્સિલના સભ્યશ્રીઓ, વિવિધ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીઓ સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે, તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં બાળકોએ તૈયાર કરેલાં ચિત્રો તેમજ સ્મૃતિચિહ્નથી કરાયું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
આઠ વિદ્યાર્થીને અપાયા ગોલ્ડમેડલ
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના એમ.એ. મનોવિજ્ઞાનની નિધિ મહેન્દ્રભાઈ પંડ્યા, માસ્ટર ઑફ સોશિયલ વર્કની પ્રિયાકુમારી જગદીશભાઈ ડામોર, એમ.એસસી. હોમ સાયન્સની આયેશાબાનુ અબ્દુલરહેમાન કાગદી તેમજ એમ.એ. શિક્ષણશાસ્ત્રના ધર્માશું શિવરામ પ્રજાપતિને ગોલ્ડમેડલ અપાયા. જ્યારે એમ.ફિલ.માં શિક્ષણ શાસ્ત્રના ભરત કાનાભાઈ પરમાર, મનોવિજ્ઞાનના રફીકમહંમદ ફકીરમહંમદ પઠાણ, સમાજકાર્યની લક્ષ્મી વિનોદભાઈ વસાવા, હોમ સાયન્સની તૃપ્તિ કાંતિલાલ પટેલને પણ ગોલ્ડમેડલ એનાયત થયા. આ ગોલ્ડ મેડલ માટે બિટ્સ જગદીશભાઈ પટેલ, શ્રી જસમત વૈદ્ય, શ્રી મનહર સંસ્પરા દાતાઓ તરફથી દાન મળ્યું છે.
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ