અમદાવાદ
ગુજરાતમાં ગરમીએ બોલાવી દીધી તોબા
ગુજરાતમાં ગરમીએ બોલાવી દીધી તોબા
ચાલુ વર્ષનો ઉનાળો ખુબજ ગરમ સાબીત થઈ રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચું ગયું જ નથી એમાય છેલ્લા આઠ દિવસથી સૌરાષ્ટ્રમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. ગઈકાલે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યાં ૪૩.૬ ડિગ્રી તાપમાન હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જૂનાગઢ, અમરેલીમાં ૪૨.૮ ડિગ્રી અને રાજકોટમાં ૪૨.૭ ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમી અને બફારાથી ત્રાસી ગયા હતા. લોકોને મોડીરાત સુધી ગરમી અને ઉકળાટથી ઉજાગરા થયા હતા. હજુ પણ ચાર-પાંચ દિવસ ઉષ્ણતામાન ૪૧ ડિગ્રીથી વધુ રહેશે તેમ હવામાન ખાતું જણાવે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ ઉનાળામાં સૌથી વધુ ઉષ્ણતામાન લાંબા સમય સુધી ચાલુ રહ્યું છે. રાજકોટમાં ગઈકાલનું મહત્તમ તાપમાન ૪૨.૭ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી વહેલી સવારે જોવાયું હતું. જ્યારે આજે સવારમાં ૨૮.૨ ડિગ્રી પવનની ઝડપ સરેરાશ ૧૫ કિલોમીટર અને ભેજ ૮૦ ટકા નોંધાયો હતો. તાપમાનના અન્ય આંકડાઓ જોઈએ તો અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે તેમાં શહેરમાં વિવિધ વિભાગોમાં ૪૩.૧ ડિગ્રીથી ૪૩.૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જ્યારે જૂનાગઢ અને અમરેલીમાં ૪૨.૮ ડિગ્રી મહત્તમ તાપમાન ગાંધીનગર, વડોદરામાં પણ ૪૨.૮ ડિગ્રી તાપમાન હતું. જ્યારે ભાવનગર ૪૧.૮, ભુજ ૪૧.૪, કંડલા ૩૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલની આ ગરમી ચારેક દિવસ સુધી યથાવત રહેશે જેમાં ૪૧થી ૪૩ ડિગ્રી તાપમાન પહોંચવાની ધારણા રાખવામાં આવી રહી છે.