સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં બાળકોના જે કિસ્સાઓ કાઉન્સેલિંગ માટે આવ્યા તેમાંથી મોટાભાગના કિસ્સામાં પિતાનો ગુસ્સો અને જિદ્દી વર્તન બાળકોની સમસ્યાઓનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ કેસોનું વિશ્લેષણ વિદ્યાર્થિની હિરપરા ધારા દ્વારા અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું.
બાળક કે આવનાર ભાવિ સંતાનની શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસસ્થિતિ તેના ઉન્નત અને ગુણવાન વ્યક્તિત્વને ખીલવે તે માટે માતા-પિતા સૌથી મોટું પરિબળ છે. બાળકો માતા-પિતાના વર્તનનું અનુકરણ કરતા હોય છે.
ત્યારે મનોવિજ્ઞાન ભવનમાં આવેલા એક કિસ્સામાં 14 વર્ષના એક કિશોરે પોતાના વ્યસન પાછળ પિતાને જવાબદાર ગણાવ્યા. કિશોરે જણાવ્યું કે, મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરૂ એમાં કઈ ખોટું નથી.
નોંધનીય છે કે, બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા માતા-પિતા કે કુટુંબના સભ્યોની હોય છે. કારણ કે બાળકના પ્રથમ માર્ગદર્શક માતા-પિતા હોય છે. શિક્ષણવિદોએ કહ્યું છે કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક માતા-પિતા હોય છે.
માતા-પિતાએ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલીક આચારસંહિતાઓ પોતે શીખવી પડશે. પોતાના આચરણ થકી બાળકને જીવન મૂલ્યો શીખવવા પડશે. બાળકના ઉછેરમાં ભેદભાવ કે પક્ષપાત વલણ ન રાખતા તેમને જરૂરી હુંફ, પ્રેમ, લાગણી કે સહાનુભૂકિ આપી યોગ્ય માર્ગદર્શક આપી તેના સાચા પથદર્શક બનવું પડશે.
કેસ-1 – અમદાવાદથી આવેલા એક પરિવારમાં બે દીકરીઓ જે સતત ભયમાં જીવતી. પરિવાર જ્યારે કાઉન્સેલિંગ માટે આવ્યો ત્યારે વાત કરતા ખબર પડી કે બન્ને દીકરીઓ પિતાથી ખૂબ ડરતી. પિતા પોતાની માતા અને દીકરીઓ પર ગુસ્સો કાઢતા એ ગમતું નહિ. દીકરીઓને કોઈ મિત્ર બનાવવાની છૂટ નહોતી એટલે સાવ એકલી રહેતી દીકરીઓ પોતાના પિતા પર જ એટલી ગુસ્સે હતી કે તેની સાથે બોલતી પણ નહીં.
કેસ-2 – ભાઈ બહેન બન્નેની એક જ વાત અને જિદ્દ કે બસ પપ્પા સાથે નથી રહેવું કારણ કે એ અમને સમજી શક્યા નહિ. અમારી ઈચ્છા વિરૂદ્ધ તેમને પોતાને ગમે ત્યાં એડમિશન લેવડાવી દીધું. પિતાનીએ જિદ્દ કે કરિયર શેમાં બને એ મને ખબર છે એટલે મેં એમને બીજું ફિલ્ડ પસંદ કરાવ્યું.
પિતાના આક્રમક વર્તનની બાળકો પર થતી હાનિકારક અસર
- પિતાના આક્રમક અને ગુસ્સાવાળા વર્તન અનુકરણ બાળક કરે છે જેના કારણે તે આવું વર્તન શાળાએ અને સામાજિક સમાયોજનમાં કરે છે અને તેની અસર સામાજિકરણમાં થાય છે.
- પિતા કામના બોજાને કારણે ઘણી વખત બાળકો ઉપર આક્રમક થતા હોય છે. જેના કારણે બાળકના માનસ પર હાનિકારક અસર પડે.
- બાળકો સામે બને ત્યાં સુધી પારિવારિક ઝઘડા ટાળવા જોઈએ. કારણ કે તે પિતાના આક્રમક વર્તન જોઈને તે પણ ભવિષ્યમાં આ પ્રમાણેનું વર્તન કરે તેની સંભાવના વધી જાય છે. ઉપરાંત ઘરના અન્ય સભ્યો પ્રત્યે નકારાત્મક મનોવલણ બાળકોમાં બંધાય છે.