વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય
અમદાવાદ
અમદાવાદ શહેરમાં ગરમીને કારણે બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવાર અને રવિવારે બે દિવસની ટ્રાયલ કરવામાં આવી હતી. જે અનુસંધાને સોમવારે ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના ૧૮૪ ટ્રાફિક સિગ્નલ પૈકી ૧૨૩ જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ૫૭ ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ રહેશે. જે અંગે માહિતી આપતા અમદાવાદ ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે બે દિવસના પ્રયોગ બાદના અભિપ્રાય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સિગ્નલનો સમય પણ ઓછો કરશે. જેમાં જે સિગ્નલ એક મિનિટના સમયનું હશે તે સિગ્નલનો સમય ૩૦ થી ૪૦ સકન્ડનો કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને ટ્રાફિક સિગ્નલ વધારે સમય ચાલુ કે બંધ રાખવા તે અંગે પણ સતા આપવામાં આવી છે. જો કે એસ જી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને વીવીઆઇપીઓની સતત અવરજવર રહેતી હોવાને કારણે આ હાઇવે પર સિગ્નલ નિયમિત રીતે ચાલુ રહેશે.