ગુજરાતને કાર ઉત્પાદનનું હબ બનાવવાનો ફુગ્ગો ફુટી ગયો : શૈલેષ પરમાર
રોજગારીના નામે કરોડો રૂપિયાની જમીનનો વેપાર : શૈલેષ પરમાર
ફોર્ડ કંપનીને પાણીના ભાવે આપેલ જમીન રાજ્ય સરકાર પરત લે : વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર
ફોર્ડ ઈન્ડિયાનો પ્લાન્ટ હસ્તગત કરવા ફોર્ડ ઈન્ડિયા, ટાટા અને રાજ્ય સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે અને રોજગારી આપવાની વાત થઈ છે તે પાયાવિહોણી હોવાનું જણાવતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફોર્ડ ઈન્ડિયા પ્રા. લિ.ને નોર્થકોટપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદમાં ૧૮,૬૩,૬૮૭ ચો.મી. જમીન રૂ. ૧,૧૦૦ પ્રતિ ચો.મી.ના પાણીના ભાવે ફાળવવામાં આવેલ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ. ફોર્ડ ઈન્ડિયાએ તેનો પ્લાન્ટ ઘણા સમયથી બંધ કરી દીધો છે. ફોર્ડ કંપની દ્વારા મોટી સંખ્યામાં રોજગારી આપવાની વાત થઈ હતી તેમાં ફક્ત ૩,૦૪૩ લોકોને જ રોજગારી આપી શકી હતી. ફોર્ડ ઈન્ડિયાનો પ્લાન્ટ હસ્તગત કરવા ફોર્ડ ઈન્ડિયા, ટાટા અને રાજ્ય સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે અને રોજગારી આપવાની વાત કરી છે તે પાયાવિહોણી છે. રોજગારીના નામે કરોડો રૂપિયાની જગ્યા ટાટા કંપનીને આપી દેવામાં આવી છે. ટાટા કંપની પોતે પણ રોજગારી આપી શકી નથી. ફક્તને ફક્ત રોજગારીના નામે જમીનોનો વેપલો કરવામાં આવે છે. ફોર્ડ કંપનીએ પ્લાન્ટ બંધ કર્યો છે ત્યારે સરકારે તેને સસ્તા ભાવે આપેલ જમીન પોતાના હસ્તક પરત લેવી જોઈએ. ગુજરાતને કાર ઉત્પાદનનું હબ બનાવવાનો ફુગ્ગો ફુટી ગયો છે તેવો આક્ષેપ શ્રી શૈલેષ પરમારે કર્યો હતો.
શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લાલ જાજમ બિછાવીને ટાટા કંપનીને નેનો કારના ઉત્પાદન માટે આવકારી હતી. નેનો કારનું ઉત્પાદન કરવા માટે ટાટા મોટર્સ લિ.ને ૪૪,૫૧,૭૦૦ ચો.મી. જમીન પ્રતિ ચો.મી. રૂ. ૯૦૦ લેખે ફાળવવામાં આવેલ. ટાટા કંપનીને ૨૦ વર્ષ પછી ચુકવવાની શરતે ૦.૧%ના વ્યાજે કરોડો રૂપિયાની લોન આપવામાં આવેલ, સ્ટેમ્પ ડયુટી, રજીસ્ટ્રેશન ચાર્જ અને ટ્રાન્સફર ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવેલ, ટુ લેન/ફોર લેન રોડની કનેકટીવીટી કરી આપવામાં આવેલ, ૨૦૦ કેવીએ પાવર સપ્લાય ડબલ સર્કીટ પ્રોજેટ સ્થળ સુધી આપવામાં આવેલ, ઈલેકટ્રીસીટી ડયુટીમાં માફી આપવામાં આવેલ, પ્રોજેકટ સ્થળ સુધી ૧૪,૦૦૦ કયુબિક મીટર દરરોજ પાણીનો સપ્લાય, હઝારડસ્ટના નિકાલની સુવિધા અને ટ્રીટ કરેલ પાણીના નિકાલની મંજુરી, પ્રોજેકટ સ્થળ સુધી નેચરલ ગેસ પાઈપલાઈન વગેરે લાભો રાજ્ય સરકારે નાગરીકો પાસેથી ટેકસરૂપે મેળવેલ નાણામાંથી આપેલ. ટાટાને નેનો માટે સરકારે જમીન આપી, તેમાં નેનો કારનું ઉત્પાદન તો થતું નથી પરંતુ સ્થાનિકોને પણ પૂરતા પ્રમાણમાં રોજગારી આપવામાં આવતી નથી. ફોર્ડ ઈન્ડિયા પ્રા. લિ.માં પણ સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી નથી ત્યારે ફોર્ડ કંપની ટાટાને વેચીને કરોડો રૂપિયા ઉભા કરે તેમાં રાજ્ય સરકારે સહકાર આપવાના બદલે ફોર્ડ કંપનીને પાણીના ભાવે આપેલ જમીન પોતાના હસ્તક પરત લેવી જોઈએ તેવી માંગણી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કરી હતી.