અમદાવાદ
રાજ્યની ભાજપ સરકારનું વલણ કર્મચારી વિરોધી અને અમાનવીય બન્યું. મનીષ દોશી
રાજ્યની ભાજપ સરકારનું વલણ કર્મચારી વિરોધી અને અમાનવીય બન્યું. મનીષ દોશી
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ ફિક્સ પગાર અને આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં થતું યુવાનોનું સુનિયોજીત આર્થિક શોષણને અટકાવવામાં આવશે.
કોંગ્રેસ સરકાર બનતા જ રાજ્યના તમામ વિભાગોના સરકારી કર્મચારીઓની માંગ એવી જુની પેન્શન યોજનાને લાગુ કરવાનો ઐતિહાસીક નિર્ણય કરવામાં આવશે.
રાજ્યમાં સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના મળવાપાત્ર હક્ક – અધિકાર માટે આંદોલનો કરી રહ્યાં છે ત્યારે સરકારી કર્મચારીઓ ઉપર પોલીસ તંત્ર, વહિવટી તંત્રનો દુરુપયોગ કરી કર્મચારીઓ સાથે ભાજપ સરકાર અમાનવીય વર્તન કરી રહી છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના સમયે આરોગ્ય કર્મચારીઓ, પેરા મેડીકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને ‘કોરોના વોરીયર્સ’ના સર્ટીફીકેટો વેચતી ભાજપ સરકાર આંદોલન કરતા કર્મચારીઓ ઉપર દંડા અને નોટીસ કેમ ફટકારી રહી છે ? ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ૨૦ થી વધુ વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના હક્ક – અધિકાર માટે આંદોલનો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ ફિક્સ પગાર અને આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં થતું યુવાનોનું સુનિયોજીત આર્થિક શોષણને અટકાવવામાં આવશે સાથોસાથ ગુજરાત રાજ્યના તમામ વિભાગોના સરકારી કર્મચારીઓની માંગ એવી જુની પેન્શન યોજનાને કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવાનો ઐતિહાસીક નિર્ણય કરવામાં આવશે, રાજ્યના શિક્ષણ વ્યવસ્થા માટે કામ કરતા શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, સુરક્ષા માટે વ્યવસ્થા સંભાળનાર પોલીસ કર્મચારીઓ, દેશની સરહદે સુરક્ષા સંભાળી ચુકેલ પૂર્વ સૈનિકો, ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાઓ પુરી પાડતા વી.સી.ઈ. કર્મચારીઓ, વનરક્ષકો, વનવિભાગના કર્મચારીઓ, સહિતના તમામ સરકારી કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી પોતાની વ્યાજબી પડતર માંગો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સુધી આંદોલન મારફતે રજુઆત કરી રહ્યાં છે તેમ છતાં રાજ્યની ભાજપ સરકાર તેમની સાથે સકારાત્મક રીતે સંવાદ કરવાને બદલે પોલીસ તંત્રનો બળપૂર્વક ઉપયોગ કરી તેમના ઉપર લાઠી ચાર્જ કરે અને દંડા વરસાવે તે કેટલે અંશે વ્યાજબી ? તાજેતરમાં માભોમની રક્ષા કરનાર નિવૃત્ત સૈનિકો ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆત કરવા માંગતા હતા તેમ છતાં બહેરી ભાજપ સરકારે તેમને સાંભળવાને બદલે લાઠીચાર્જ કર્યો જેના કારણે એક નિવૃત્ત સૈનિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ દર્શાવે છે કે, રાજ્યની ભાજપ સરકારનું વલણ કર્મચારી વિરોધી અને અમાનવીય બન્યું છે ત્યારે રાજ્યના મધ્યાહન ભોજન, હોમગાર્ડ જવાનો, આંગણવાડી આશાવર્કરો, પ્રાધ્યાપકો, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ સહિતના લાખો સરકારી કર્મચારીઓની વ્યાજબી પડતર માંગોને સાંભળી સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.