કાયદા પ્રત્યે લોકોમાં વિશ્વાસ પેદા થાય એવું વાતાવરણ
ઉભું કરવાની જવાબદારી સરકારની છે.
સરહદો ઉપર કેમેરા લગાડાય તો રાજયમાં ઘુસાડવામાં આવતો દારૂ અટકાવી શકાય.
ડીજીટલ માફીયાઓના કારણે માણસની પરસેવાની કમાણી
આજે બેંક ખાતામાં પણ સલામત નથી
મુન્દ્રા પોર્ટ ઉપર ડ્રગ્સ પકડનારી એજન્સી પાસેથી તપાસ ઝૂંટવી લેવાનું કામ
કોના ઇશારે થયું ? તે સરકાર જાહેર કરે – પરેશ ધાનાણી
વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા લવાયેલ ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ વિધેયક-૨૦૨૨ માં વિચારો રજૂ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગૃહ સમક્ષ વિચારણા અર્થે મુકાયેલ આ બિલમાં ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, લોકો એકત્રિત થતાં હોય તેવા સભાસ્થળો અને એવી બીજી બધી જ મોટી સંસ્થાઓ કે જ્યાં વધુ સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યાં ગુના અને સુરક્ષા અંગેના જોખમોને નિવારવા માટે આવી જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા ઈન્સ્ટોલ કરવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત બનાવવા નિર્ધાર કર્યો છે ત્યારે આ બિલમાં ઉદ્દેશો અને કારણોમાં સરકારે એ વાતને પણ સ્વીકારી છે કે, રાજ્યમાં મોટી સંખ્યામાં આવા સી.સી.ટી.વી. કેમરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મહાનગરો, નગરપાલિકા વિસ્તાર, તાલુકાના વડા મથક, મુખ્ય ધોરીમાર્ગો સહિત ઘણી બધી જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા લગાડવાની પરંપરાને લગભગ ઘણાં વર્ષો પૂરા થયા છે.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહજીએ વર્ષ ૨૦૦૪માં ઇ-ગ્રામ યોજના રાજ્યો સહિત સમગ્ર દેશમાં લાગુ કરી. દેશના સાત લાખ કરતાં વધુ ગામની પંચાયતો ઇન્ટરનેટથી સીધી જ તાલુકા-જિલ્લાના વડા મથકે, રાજ્યના વડા મથકે જોડાય તથા ગામડાના સરપંચની વાત ઇ-મેઇલથી સીધી જ પ્રધાનમંત્રીસુધી પહોંચે એવી વ્યવસ્થાનો પાયો નંખાયો છે. પરંતુ આજેપણ ગુજરાતના કેટલાય ગામોને ઇ-ગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી. કેટલાય દાતાશ્રીઓએ વ્યક્તિગત ધોરણે કોઇ એક પંચાયતમાં, બે પંચાયતોમાં, દસ પંચાયતોમાં કોમ્પ્યુટરનું દાન કર્યુ. એ કોમ્પ્યુટરને ધૂળ ચડી ગઇ, કોઇ વાપરનારૂ નથી. આવા કોમ્પ્યુટર ખોટકાણા તો એને રિપેર કરવાની સરકારે આજે ૧૫-૧૫ વર્ષનો સમય થયો હોવા છતાં ચિંતા કરી નથી. આ ગૃહમાં એવા કાયદાઓ ઘડે કે જે કાયદાથી લોકોના મનમાં વિશ્વાસ પેદા થાય કે, મારી સાથે કોઇ ખોટુ કરશે તો એને કાયદો પહોંચશે. પરંતુ આ ઉચ્ચ કોટિની પરંપરાને વિતેલા વર્ષોમાં તોડવાની શરૂઆત થઇ, પરિણામે આપણે જે કાયદા ઘડીએ, એ કાયદાથી વિશ્વાસના બદલે સામાન્ય માણસના મનમાં ડર પેદા થાય છે. આ કાયદાથી, કાયદા તોડનારાના રૂવાડાં ઉભા થઇ જવા જોઇએ, એ ગુનો કરતાં ડરવા જોઇએ. પણ કમનસીબે આવું બન્યું નથી.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવ્યા છે. પરંતુ તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરી શકતા નથી જેથી હમણાં જ નામદાર હાઇકોર્ટે સરકારને ઠપકો આપવો પડ્યો કે, પોલીસ સ્ટેશનમાં જયારે કસ્ટોડિયલ ડેથના બનાવો બને, નામદાર હાઇકોર્ટ તેની તપાસ કરતી હોય ત્યારે ત્યાંના સી.સી.ટી.વી. કેમેરા બંધ હોય છે, સી.સી.ટી.વી. કેમેરા ખોટકાઇ ગયા હોય છે, સી.સી.ટી.વી. કેમેરા લાઇટના અભાવે બંધ હોય છે. પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડયા પછી પણ કસ્ટોડીયલ ડેથમાં સમગ્ર ગુજરાત ભારતમાં અવ્વલ નંબરે શું કામે રહ્યું છે ? એ સરકારે જણાવવું જોઈએ. રાજયમાં તમામ પોલીસ કર્મીઓના ટોપામાં કેમેરો રાખવો જોઇએ. જેથી પોલીસ સાથે કોઇ દુર્વ્યવહાર કરે તો તેવા લોકોને સબક શીખવાડવામાં આવે અને પોલીસ પણ કોઇ સામાન્ય માણસ ઉપર સત્તાનો દુરઉપયોગ કરે તો એ સાચી વાતના લેખાજોખા પણ થાય આવી વ્યવસ્થા આજે આખું ગુજરાત ઇચ્છે છે.
ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના બગીચામાં, રોડ ઉપર, જાહેર ચોકમાં સી.સી.ટી.વી. લગાડયા, છતાં આપણે રાજ્યમાં ગુનાખોરી નિયંત્રિત કરી શકયા નથી. ગુજરાતને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનની સરહદ અડે છે, આ સરહદો ઉપર કેમેરા લગાડી દો તો રાજયમાં ઘુસાડવામાં આવતો દારૂ અને દિન દહાડે દારૂના થતા હોલસેલ વેપારને અટકાવી શકાય. રાજયમાં દરિયાકાંઠે જો સી.સી.ટી.વી. કેમેરા લગાડયા હોત તો ડ્રગ માફિયાઓ દરિયાથી જમીન ઉપર લેન્ડીંગ કરે એ પહેલા જ એને દબોચી લીધા હોત અને આ ગુજરાતનું યુવાધનને બરબાદ થતું બચાવી શકાયું હોત. તાજેતરમાં મુન્દ્રા પોર્ટ ઉપર જે એજન્સીએ ડ્રગ્સને પકડયું, એ પકડનારી એજન્સી પાસેથી તપાસ ઝૂંટવી લેવાનું કામ કોના ઇશારે થયું ? એ ગુજરાતની જનતા જાણવા માગે છે. આ ૩૦ હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સકાંડ ઉપર પડદો પાડવાના પાપના કારણે આવતી પેઢી આ ડ્રગ્સ માફિયાઓના ગુલામ બનવાના છે ત્યારે એને બચાવવા માટે આ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ થયો હોત તો યોગ્ય હતું. સરહદો ઉપરથી દરરોજ કરોડો રૂપિયાનો દારૂ, કયાંક એસ્કોર્ટની પાછળ, કયાંક પાઇલોટીંગ થતું હોય, એ ગુજરાતના ગામડે ગામડે બોટલો પહોંચે છે એવા લોકોને દબોચવા માટે આ સી.સી.ટી.વી.નો ઉપયોગ થયો હોત તો ગમત પણ જાહેર રસ્તાઓ ઉપર કેમેરા લગાડવા છતાં આપણે આ ગુનાઓને નિવારી શકયા નથી.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સી.સી.ટી.વી. કેમેરા લગાડયા પછી એનું નિયંત્રણ કોણ કરશે એના પણ પ્રશ્નો હતા, કયાંક નગરપાલિકા એનું સંચાલન કરશે, કયાંક પોલીસ વિભાગ એનું સંચાલન કરશે, કયાંક સાયન્સ અને ટેકનોલોજી વિભાગ એનું સંચાલન કરશે, કેમેરાઓ તો લગાડાઇ ગયા પછી તંત્ર દ્વારા તેની કાયમી નીભાવણી થવી જોઇએ તેના અભાવે રાજયમાં ગુનાઓ વધતા ગયા. રાજયમાં બે વર્ષમાં ૧૦૨૪ જેટલી લૂંટ થઇ, ૧૯૯૩ ખૂન થયા, કોઇ માણસ હથિયાર લઇને બહાર નીકળે એના મોઢા ઉપર ગુસ્સાના હાવભાવ સી.સી.ટી.વી.માં પકડાયા હોત તો ખૂનની ઘટનાઓ રોકી શકયા હોત પરંતુ કમનસીબે આવું ન થઇ શક્યું. ૨૭૧ જેટલી ધાડ પડી છે. ધાડપાડુઓ ખુલ્લે આમ કોઇની વસ્તુ છીનવી લે. આ ખુલ્લેઆમ વસ્તુઓ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાતમાં થાય છતાંય આવી ઘટના રોકી શકયા નથી. ૧૮,૬૫૮ જેટલા ચોરીના બનાવો બન્યા છે. ગુજરાતમાં ૫,૩૩૨ જેટલા ઘરફોડ ચોરીના કિસ્સા બન્યા છે. આમ, સી.સી.ટી.વી. લગાડ્યા પછી ચોરી કરનારને રોકી શકયા નથી.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડિજીટલ ઇન્ડિયાનો નારો આવ્યો એ પછી પણ ડિજીટલ ઇન્ડિયાનો દુરપયોગ રોકી શકયા નથી. રાજ્યમાં સાઇબર હુમલા વધતા જાય છે એના નિયંત્રણ માટે કાયદો લાવ્યા પછી કોઇ માણસની પરસેવાની કમાણી બેંકના ખાતામાં સલામત નથી તો કોઇ માણસે બચત કરવા માટે ૧૮મી સદીની પૂરાણી પરંપરા પટારાને અલીગઢી તાળુ મારી એ પટારા માથે સૂવે તો એની બચત બચવી હોય તો બચે બાકી બેંકના ખાતામાંથી આ ડિજીટલ માફિયાઓ, સાયબર ક્રાઇમ કરનાર લોકો બારોબાર લઇ જાય અને છતાં સરકાર આના ઉપર નિયંત્રણ કરી શકે નહિ. આ રીતે ગુજરાતના લોકોની બચત પણ જોખમમાં છે.
https://www.facebook.com/pages/?category=your_pages&ref=bookmarks
રાજયમાં ડ્રોન કેમેરા હવામાં ઉડીને જમીન ઉપર સર્વેલન્સ કરશે અને આ રીતે ગુનેગારોને રોકવામાં આવશે. પરંતુ રાજયમાં સરકાર છેલ્લા ૨૦ વર્ષથી હવામાં ઉડે છે. ગામોમાં ગલીએ ગલીએ ગુંડાઓએ માઝા મૂકી છે. માત્ર હવામાં ઉડીને પ્રજાની સલામતી નહિ થાય.
ગુજરાત રાજય નંબર ૧ રાજય બને એ ગૃહની ચિંતા છે. રાજ્યમા ઇન્ટરનેટ સ્પીડ ખૂબ ઓછી છે. આ કેમેરામાં કોઇ ગુનાના ઇરાદાવાળો પકડાય જાય, એ ઇરાદો કેમેરામાં કંડારાય જાય, એ વિજયુઅલ સત્તાધિકારી પાસે પહોંચે એમાં સમય લાગે, એ દરમિયાન ગુનો કરનાર ગુનેગાર વિદેશ ભાગી જાય એટલી સ્પીડથી આપણું ઇન્ટરનેટ ચાલે છે. ત્યારે એની સ્પીડ વધારવા માટે સરકારે ચિંતા કરી હોત તો ગમત.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, દેશમાં વિતેલા ૧૦ વર્ષમાં યુ.પી.એ. સરકારે જે પાયો નાખ્યો હતો તેના ઉપર ઇમારત ઉભી થઇ રહી છે પણ આ જી.પી.એસ. ટ્રેકીંગ મારફતે ગુનેગારોને ટ્રેક કરવાના બદલે સજ્જન માણસોએ ક્યાંક તેનો ભોગ બનવું પડે એવી સ્થિતિ પેદા થઇ છે. ભૂતકાળમાં ટેક્નોલોજીના દુરુપયોગથી કેટલાય લોકોને તેની નિજતાના અધિકાર ઉપર વાર કરવાનો પ્રયાસ થયો છે. પૂ. બાબાસાહેબે ઘડેલા બંધારણે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર દેશની ઇમારત ઉભી કરી હતી. કમનસીબે આ રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાના અધિકાર ઉપર ક્યાંય કાયદાનો દુરુપયોગ કરી, રાજકીય ઇરાદાઓ સિદ્ધ કરવાનો પ્રસાય થશે તો તેની દુરોગામી અસરો દેખાશે અને ગુજરાતનું ઘોડિયામાં હીંચકતું ભવિષ્ય ગુલામ પેદા થશે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં હવે પરંપરા શરૂ થઈ છે કે કોઇ યુગલ દાંમ્પત્યમાં પગલાં પાડતાં પહેલાં એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન માટે, બે ઘરના વ્યવહાર, તેના જોણ શરૂ થાય, એકબીજાને સમજવાનો પ્રયાસ થાય, આવા વાર્તાલાપ માટે પણ ક્યાંય બગીચા, એક તો બગીચા ઘટ્યા અને તેમાંય બગીચામાં સરકાર સી.સી.ટી.વી. કેમેરા મૂકશે તો આવા યુગલો ક્યાં જશે ? તેની ચિંતા વ્યક્ત કરી હોત તો ગમત.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. બહેનો-દીકરીઓ ઉપરના અત્યાચારના બનાવો સતત વધતા જાય છે તેના પર નિયંત્રણ કસવા માટે આ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ થાય તો ગમશે પણ તેમાં ભયસ્થાન સમાયેલું છે. કોઇ જવાનિયા, તેનો પ્રેમ પાંગર્યો હશે, ક્યાંય બગીચામાં ફરવા ગયા હશે. આવા દૃશ્યો સી.સી.ટી.વી. કેમેરામાં કંડારાય અને તેની ક્લીપનો દુરુપયોગ કરશે તો ? સરકારે આ માટે તકેદારી રાખવી પડશે, દીકરીની આબરૂની ચિંતા કરવી પડશે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારે બિલમાં કલમ-૪(૩)થી જોગવાઇ કરી છે કે જાહેર સલામતી સમિતિ બનશે પણ આ સમિતિની પ્રસ્તાવના શું હશે ? સરકારી લોકો હશે કે ખાનગી લોકો હશે ? રાજકીય કે સામાજિક લોકો હશે ? એની સ્પષ્ટતા થતી નથી. આ સમિતિમાં કાયમી અધિકારી, કર્મચારીઓ હશે કે આઉટસોર્સ, ફીક્સ પે કે કરાર આધારિત નોકરી મેળવનારા કર્મચારીઓ હશે ? એની સ્પષ્ટતા નથી થઇ. જેની જોબ સિક્યોરિટી ન હોય એ કાયદાનું ઇમાનદારીથી પાલન કરવા ઇચ્છતા હોવા છતાં પણ કરી શકતા નથી ત્યારે કમ સે કમ કાંઇક ખોટું કરે તો એની નોકરી ઉપર જોખમ થવાનો ભય પેદા થાય એવા જ લોકોને આ સમિતિમાં નીમવા જોઇએ. આ સમિતિ જોખમના મૂલ્યાંકન માટે સંસ્થાની મુલાકાત લઇ શકશે. સંસ્થાઓને જાહેર સલામતીના પગલાં સંબંધી સૂચનાઓ આપી શકશે અને ઠરાવવામાં આવે તેવા બીજાં કાર્યો પણ જે-તે સંસ્થા ઉપર બોજ નાખવાની પ્રસ્તાવના કાયદાથી સરકારે બાંધી છે. જાહેર સલામતી સમિતિએ લેખિતમાં સુનિશ્ચિત કરેલ ભલામણ કરેલ હોય તે પ્રમાણે ૬ મહિનાની અંદર આવા પગલાં લેવાના રહેશે અને આવા પગલાં લેવામાં ક્યાંક ચૂક થશે, નાણાકીય અભાવે, ટેકનોલોજી ઉપલબ્ધ ન થવાના અભાવે, આવી સંસ્થા આવી વ્યવસ્થા પૂર્ણ ન કરી શકે તો કલમ-૫થી સજાની જોગવાઇ કરી છે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, બિલની કલમ-૫(૧)માં સરકારના કોઇપણ અધિકારી ઓછામાં ઓછા બે દિવસની નોટિસ આપ્યા પછી દિવસના વાજબી કલાકો દરમિયાન ઇન્સ્ટોલેશનની તપાસ માટે કોઈ સંસ્થાની કોઇપણ જગ્યાએ, ઇમારતમાં પ્રવેશ કરશે તેવી જોગવાઈ છે. આ જોગવાઇ ખૂબ ગંભીર છે. દેશમાં કોઇપણ વ્યક્તિને એની નીજતાનો અધિકાર મળેલ છે. એની માલિકીની પ્રોપર્ટીમાં ક્યારેય કોઇએ પ્રવેશ કરવો હોય તો માલિકની અનુમતિ લેવી પડે અથવા સક્ષમ ઓથોરિટી સર્ચ વોરન્ટ જ્યાં સુધી ન આપે ત્યાં સુધી આવી કોઇપણ ખાનગી સંસ્થા કે મિલકતોની અંદર પ્રવેશ કરી શકાય નહીં. આ કલમમાં કરેલ જોગવાઇમાં પ્રવર્તમાન કાયદાઓની જોગવાઇઓનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. સરકારે આ અંગે પુનઃવિચાર કરવાની જરૂર છે. આ જોગવાઇ નીચે કોઇ અધિકારી ગમે ત્યારે કોઇના ઘરમાં ગમે ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા, કાલે ઉઠીને કોઇ નબળી માનસિકતાના લોકો આ વ્યવસ્થાનો હિસ્સો બની મારા અને તમારા રસોડા સુધી ન પહોંચે એની સરકાર ચિંતા કરે એવી વિનંતી કરું છું.