રાજ્યના બિયારણ વિક્રેતાઓએ કોઇપણ સંજોગોમાં અનઅધિકૃત- ભેળસેળયુક્ત બિયારણ ખેડૂતોને વેચાણ નહીં કરવા ખેતી નિયામકની તાકીદ :
ખેડૂતોએ પણ આ પ્રકારનાં બિયારણોની ખરીદી કરવી નહીં
ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !
કપાસ પાકનો શંકાસ્પદ-અનઅધિકૃત બિયારણનો અંદાજિત કુલ રૂ.૩.૬૦ કરોડનો જથ્થો અટકાવી કુલ ૪૮ નમૂના ચકાસણી અર્થે મોકલી અપાયા
રાજ્યના બિયારણ વિક્રેતાઓએ કોઇ પણ સંજોગોમાં અનઅધિકૃત-ભેળસેળ યુક્ત બિયારણ ખેડૂતોને વેચાણ નહીં કરવા ખેતી નિયામક દ્વારા તાકીદ કરવામાં આવી છે. ખેડૂતોએ પણ આ પ્રકારનાં બિયારણોની ખરીદી કરવી નહીં. આ ઉપરાંત ખેડૂતોને બિયારણની ખરીદી પર લોટ નંબર સાથેનું પાકુ બીલ આપવું તથા ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણ દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામ ધરાવતાં અમાન્ય બિયારણોનું વેચાણ ન કરવા પણ વિક્રેતાઓને જાણ કરવામાં આવી છે.
ખેતી નિયામકે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ સરકારની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ચાર ટીમોની રચના કરી તારીખ: ૦૯ મે-૨૦૨૨નાં રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતેના ચાર ઉત્પાદક એકમો પર તથા અમદાવાદ જિલ્લાનાં એક ટ્રાન્સપોર્ટરને ત્યાં બે જુદી જુદી જગ્યા પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કપાસ પાકના શંકાસ્પદ અને અનઅધિકૃત બિયારણનો અંદાજીત કુલ રૂપિયા ૩.૬૦ કરોડનો જથ્થો અટકાવી કુલ ૪૮ નમુનાઓ લઇ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અધિકૃત અને નકલી બિયારણ સંદર્ભે રાજ્યના ખેડૂત સમાજ અને કૃષિના હિતમાં કોઈ બાંધછોડ ન કરવા અને કડક કાર્યવાહી કરવા કટીબધ્ધ છે.
આગામી ખરીફ સીઝન માટે બિયારણ યોગ્ય ગુણવત્તાવાળું અને અધિકૃત બિયારણ ખેડૂતોને મળી રહે તે માટે ખેતીવાડી ખાતાના ગુણવત્તાતંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે. રાજ્યમાં ખેડૂતો અનઅધિકૃત બિયારણ કે નકલી બિયારણ વેચાણ ન થાય તે માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપી અમલવારી કરવા રાજય સરકાર કટીબધ્ધ છે અને અધિકૃત પ્રકારનાં બિયારણોનું ઉત્પાદન, પ્રોસેસીંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાની બાબત જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના વિસ્તરણ નાયબ ખેતી નિયામકને તુરંત જાણ કરવી તેમ તેમણે ઉમેર્યુ હતું.