આમ આદમી પાર્ટી
કતારગામથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને કરંજથી મનોજ સોરઠીયાને ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે: અરવિંદ કેજરીવાલ
કતારગામથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને કરંજથી મનોજ સોરઠીયાને ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે: અરવિંદ કેજરીવાલ
રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે, હું ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને ઉમેદવાર બનવા બદલ શુભેચ્છા પાઠવું છું: અરવિંદ કેજરીવાલ
કતારગામ વિધાનસભાનો ઉમેદવાર બનાવવા બદલ હું અરવિંદ કેજરીવાલજીનો તથા ઈસુદાન ગઢવીનો આભાર માનું છું: ગોપાલ ઇટાલિયા
મને કરંજ વિધાનસભાથી ઉમેદવાર બનાવી મારા પર વિશ્વાસ રાખવા માટે હું અરવિંદ કેજરીવાલજીનો આભારી છું: મનોજ સોરઠીયા
મને પૂરો વિશ્વાસ છે કે કતારગામમાં અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિજય થશે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીએ આજે મારા જેવા એક સાધારણ યુવાનને અને નાના પરિવારના વ્યક્તિને ખૂબ જ મોટી જવાબદારી સોંપી છે: ગોપાલ ઇટાલિયા
આવનારા પાંચ વર્ષમાં ‘આપ’ વતી હું કરંજ વિધાનસભાના લોકોને યોગ્ય ન્યાય મળે, પ્રાથમિક સુવિધા મળે, લોકોની સુખાકારી માટે સતત કામ કરતો રહીશ: મનોજ સોરઠીયા
કેજરીવાલે કહ્યું હતું કે સુરતથી ‘આપ’ સાત બેઠકો જીતી રહી છે, મારું નામ જાહેર થયા પછી મને લાગે છે કે ‘આપ’ આઠમી બેઠક પણ જીતશે: ગોપાલ ઇટાલિયા
‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કતારગામ વિધાનસભાથી ઉમેદવાર તરીકે નામ જાહેર થતા ડભોલીના સ્વામિનારાયણ મંદિરે ભગવાનના આશીર્વાદ લીધા.
‘આપ’ મહામંત્રી મનોજ સોરઠીયાએ કરંજ વિધાનસભાથી ઉમેદવાર તરીકે નામની ઘોષણા થતા કરંજના સ્વામિનારાયણ મંદિરે જઈને ઈશ્વરની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા.
જનતા આમ આદમી પાર્ટીની સાથે છે: ગોપાલ ઇટાલિયા
કરંજ વિધાનસભાએ એક એવી વિધાનસભા છે જે સુરતની અંદર વિકાસથી વંચિત રહી છે: મનોજ સોરઠીયા
કરંજ વિધાનસભાના લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા છે: મનોજ સોરઠીયા
‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા ગુજરાત ચૂંટણીને લઇ ટ્વીટ કર્યું કે, “રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા શ્રી ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે, હું બંને યુવાનોને મારી શુભેચ્છા પાઠવું છું.
ગોપાલ ઇટાલિયા ગુજરાતની રાજનીતિમાં એક નવા ઉગતા સુરજનું નામ છે. આમ આદમી પાર્ટીએ ખૂબ જ નાની ઉંમરે ગોપાલ ઇટાલીયાને પ્રદેશ પ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી અને ગોપાલ ઇટાલિયાએ આ જવાબદારીને ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીને ગુજરાતની રાજનીતિમાં ભાજપ કોંગ્રેસને સીધી ટક્કર આપી હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી 27 સીટો જીતીને વિરોધ પક્ષમાં બેઠી છે, એનો ખૂબ મોટો શ્રેય ગોપાલ ઇટાલિયાને જાય છે અને એક પ્રદેશ પ્રમુખ તરીકે તેમની કારકિર્દીની આ ખૂબ જ સારી શરૂઆત હતી.ગોપાલ ઇટાલિયાએ સરકારી નોકરીનો ત્યાગ કરીને સમાજસેવાનો રસ્તો અપનાવ્યો હતો અને ગુજરાતના યુવાનો સહિત તમામ વર્ગના લોકો માટે અવાજ ઉઠાવ્યો હતો. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી કે ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે. કતારગામ વિધાનસભા પરથી ગોપાલ ઇટાલીયાના નામની જાહેરાત થતાની સાથે જ ફક્ત કતારગામ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનોમાં ખુશીનો માહોલ છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતના યુવાનો માટે આજે એક પ્રેરણા બની રહ્યા છે. ગોપાલ ઇટાલીયા એ સાબિત કરી આપ્યું છે કે રાજનીતિમાં ઉંમર, સંપત્તિ કે રાજકીય પરિવારનું પીઠબળ ન હોય તો પણ પોતાના દમ પર આગળ વધી શકાય એમ છે.
ગોપાલ ઇટાલિયા પર વારંવાર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને તેમને ઘણી વખત જેલમાં પણ મોકલવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીના અન્ય નેતા તથા કાર્યકર્તાઓની સાથે પેપર લીકના મુદ્દા પર ભાજપના પ્રદેશ કાર્યાલય પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો અને ઘણા દિવસ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. પરંતુ ગોપાલ ઇટાલિયા સરકારની આવી કોઈ પણ હરકતોથી પરેશાન થયા વગર હંમેશા આગળ વધતા રહ્યા અને લોકોના મુદ્દાને ઉઠાવતા રહ્યા. આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મજબૂત છે એનો ખૂબ મોટો શ્રેય ગોપાલ ઇટાલિયાને જાય છે.
મનોજ સોરઠીયા જેઓ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પદ પર છે અને તેમણે ગુજરાતમાં પાર્ટી સંગઠનના નિર્માણમાં મહત્વનો રોલ નિભાવ્યો છે. મહામંત્રી મનોજ સોરઠીયાને સુરતની કરંજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મનોજ સોરઠીયા ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન(IAC)ના દિવસોથી જાણે છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠી છે તેનો શ્રેય પણ મનોજ સોરઠીયાને જાય છે. ગણેશ ચતુર્થી વખતે મનોજ સોરઠીયા પર ભાજપ દ્વારા જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ભાજપની આવી શરમજનક હરકતો સામે ઝૂક્યા નથી અને આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા અગ્રેસર થયા છે તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે હિંમત અને પ્રેરણા પણ બન્યા છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા કરંજ વિધાનસભાથી મનોજ સોરઠીયાનું નામ જાહેર થતા ખૂબ જ આંનદમાં છે. મનોજ સોરઠીયાએ જનતાની સેવા માટે, લોક કલ્યાણના કામોને સાકાર કરવા માટે અને ગુજરાતના સોનેરી ભવિષ્ય માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાયો ઉભો કર્યો છે. આમ આદમી પાર્ટી મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
આજે અરવિંદ કેજરીવાલદ્વારા કતારગામ વિધાનસભાથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર થતા આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ખૂબ જ હર્ષોઉલ્લાસમાં છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક મહત્વપૂર્ણ અને મજબૂત ચહેરો છે. ગોપાલ ઇટાલિયાના નામની ઉજવણી કરવા માટે અને ઈશ્વરના આશીર્વાદ લેવા માટે ગોપાલ ઇટાલિયા સાથે ‘આપ’ના ઘણા બધા કાર્યકર્તાઓ ડભોલીના સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં ગોપાલ ઇટાલિયાનું ઢોલ-નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે પૂજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ લીધા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તથા કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ આજે મારા જેવા એ સાધારણ યુવાનને અને નાના પરિવારના વ્યક્તિને ખૂબ જ મોટી જવાબદારી સોંપી છે, એ બદલ હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો તથા નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીનો આભાર માનું છું. અમારા હજારો-લાખો કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવી છે. આજે મજબૂત પાર્ટીના એક ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે, એ બદલ હું કાર્યકર્તાઓનો આભાર માનું છું. ખાસ કરીને કતારગામ વિધાનસભાની અંદર જ્યારે લોકોને જાણકારી મળી કે મારા નામની પસંદગી થઈ છે, ત્યારથી લોકોએ ફોન અને મેસેજ કરીને પોતાનો જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે અને શુભેચ્છાઓ પણ આપી છે. આજે હું ભગવાનના આશીર્વાદ લઈને એક સારી શરૂઆત કરવા જઈ રહ્યો છું. મારામાં ખૂબ જ ઉત્સાહ છે, કાર્યકર્તાઓમાં ખુશી છે, ઈશ્વરના આશીર્વાદ અમારી સાથે છે અને કાર્યકર્તાઓનો પ્રેમ અમારી સાથે છે. તો મને પૂરો વિશ્વાસ છે કે કતારગામમાં અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિજય થશે.
એક ટિકિટ હોય અને એક ટિકિટની દાવેદારી કરવાવાળા પાંચ મિત્રો હોય તો સ્વાભાવિક છે કે બાકીના ચાર મિત્રોને મન દુઃખ થાય. તે મન દુઃખ માટે ચર્ચા કરી, બધા લોકોને વિનંતી કરી છે કે હવે આમ આદમી પાર્ટી માટે કામે લાગી જાવ અને આગળ વધી જવા કોશિશ કરો. જનતાએ આમ આદમી પાર્ટી નથી છોડી, જનતા આમ આદમી પાર્ટીની સાથે જ છે. જે ક્ષેત્રની જનતાએ મફત વીજળી માટે, મફત સારા શિક્ષણ માટે અને સારી આરોગ્ય વ્યવસ્થા માટે મત આપવાનું મન બનાવ્યું છે એ તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી જીતવાની છે. અરવિંદ કેજરીવાલજીએ પહેલા કીધું હતું કે, સુરતથી આમ આદમી પાર્ટી સાત બેઠકો જીતી રહી છે, મને લાગે છે કે જ્યારે હવે કતારગામથી મારું નામ જાહેર થયું છે તો આમ આદમી પાર્ટી આઠમી બેઠક પણ જીતશે.
ગોપાલ ઇટાલિયા સાથે આજે અરવિંદ કેજરીવાલજી દ્વારા કરંજ વિધાનસભાથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ખૂબ જ આનંદમાં છે. મનોજ સોરઠીયા ગુજરાતમાં જનહિત માટે આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર આગેવાન છે. મનોજ સોરઠીયાના નામની ઉજવણી કરવા માટે અને ઈશ્વરના આશીર્વાદ લેવા માટે મનોજ સોરઠીયા સાથે ‘આપ’ સુરત ટીમના ઘણા બધા કાર્યકર્તાઓ કરંજના સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં મનોજ સોરઠીયાનું ઢોલ-નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે ફૂલહાર ચડાવી, પૂજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ લીધા.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભા ઉમેદવાર મનોજ સોરઠીયાએ કહ્યું કે, આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, કરંજ વિધાનસભાથી મનોજ સોરઠીયા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આગળ વધી રહી છે લોકોની આશા અને વિકલ્પ બની રહી છે. કરંજ વિધાનસભા એ એક એવી વિધાનસભા છે જે સુરતની અંદર વિકાસથી વંચિત રહી છે. અહીંયા લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા છે. વોટ આપવા છતાં પણ કરંજ વિધાનસભામાં દૂર દૂર સુધી વિકાસ દેખાતો નથી. એવા સમયની અંદર કરંજ વિધાનસભાની જવાબદારી મને આપવામાં આવી છે તે મારા માટે ખૂબ ગર્વની વાત છે. મારા પર જે વિશ્વાસ કર્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કરંજની જનતા આ પરિવર્તનની સાથે જોડાઈ રહી છે અને મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ભરોસો છે. કરંજના લોકો આમ આદમી પાર્ટીને, મનોજ સોરઠીયાને, અરવિંદ કેજરીવાલજીને વિજય બનાવશે. આવનારા પાંચ વર્ષમાં આમ આદમી પાર્ટી વતી હું કરંજ વિધાનસભાના લોકોને સંપૂર્ણ રીતે યોગ્ય ન્યાય મળે, પ્રાથમિક સુવિધા મળે, અહીંના લોકોની સુખાકારી માટે સતત કામ કરતો રહીશ.
આજે સમગ્ર ગુજરાતમાં જેવી રીતે સામાન્ય માણસ માટે મોંઘવારી મોટો મુદ્દો છે, શિક્ષણ મોટો મુદ્દો છે, આજે આ વિસ્તારના બાળકો માટે ભણવા માટે સારી શાળાઓ નથી, પ્રાઇવેટ શાળાઓની લૂંટ ચાલી રહી છે, લોકો પાસે રોજગાર નથી અને દૂર દૂર સુધી રોજગાર માટે જવું પડે છે. એવા સમયની અંદર પ્રાથમિક સુવિધાઓ માટે સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની જે સુવિધાઓ છે એ કરંજ વિધાનસભામાં ઊભી થાય અને અહીંના લોકોને સસ્તું અને સારું શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સુવિધા અને રોજગાર મળે એના માટે પૂરતા પ્રયત્નો કરીશ.