અમદાવાદ

શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કરાયું આયોજન

Published

on

શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કરાયું આયોજન

સ્વ સોમાતભાઈ સુવા, શ્રી હરદાસભાઈ સુવા, સ્વ.શ્રી હરદાસભાઈ સુવા,કાનાભાઈ સુવા અને રાજશીભાઈ સુવા તથા સમસ્ત સ્વ. રાજાબાપા સુવા પરિવાર ઉપલેટા તરફથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. પૂ. રાજાબાપા સુવા મંદિર, ખાખીજાળિયા રોડ, બાયપાસ પાસે, ઉપલેટા, જિ. રાજકોટ ખાતે તા. 24 નવેમ્બર 2022થી 01 ડિસેમ્બર 2023 દરમિયાન શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ અવિરત ચાલુ રહેશે.
મહાભારતમાં ધર્મને ”ધારણાત્ ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા :” કહ્યો છે, જેનો અર્થ તત્વ, નિયમ/સિદ્ધાંત કે શાસન, જે વ્યક્તિ, સમાજ તેમજ દેશ ધારણ કરી ટકાવી રાખવા સાથે આધાર કે રક્ષણ આપતા તેને અનુસરી જીવન જીવે તે ધર્મ. ‘શ્રીમદ્ ભાગવત્’ 12 સ્કંધ, 735 અધ્યાય અને 18000 શ્લોક સાથેનો આ મહાગ્રંથમાં ધર્મની બહુ સરસ સમજ આપી છે. શ્રીમદ્ ભાગવત્ મનને સુધારી દ્રષ્ટિને દિવ્ય બનાવનાર પરમાત્માનું સાક્ષાત વાણી સ્વરૂપ છે. તે પિતૃઓના કલ્યાણ સાથે માણસને જીવન જીવતા શીખવતા ભયના નાશ સાથે અભયત્વ આપનાર અને પોતાની અંદર પરમાત્માના દર્શન કરવાનું સરળ સાધન છે. શ્રીમદ્ ભાગવત્ પરમાત્માનું સર્વવ્યાપક સ્વરૂપ દર્શાવે છે. ભગવાન વૈકુંઠમાં વિરાજતા હોવાનું જ્ઞાન સાધારણ જ્ઞાન છે, જ્યારે શ્રીમદ્ ભાગવત્ ગોલોક/વૈકુંઠમાં બિરાજતા ભગવાનને પોતાના હૃદયમાં પધરાવી પોતાની સાથે સર્વમાં વ્યાપક સ્વરૂપે પરમાત્માના દર્શન કરવાનું શિખવે છે. ભગવાન જ ભાગવત્ હોય શ્રીમદ્ ભાગવત્ બુદ્ધિમાનોને બુદ્ધિ અને શાણપણ થકી અસત્ય છોડી અવિનાશી સ્વરૂપ સત્યને પ્રાપ્ત કરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવમાં ભક્તિ ઉત્પન્ન કરનાર ભાગવત છે, એક વખત અંતરમાં ભક્તિભાવ શરૂ થતા સાધક વૈરાગ્ય અને નિષ્કામ જ્ઞાનભાવ તરફ આગળ વધે છે. આમ શ્રીમદ્ ભાગવત્ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિનું શાસ્ત્ર છે.

આપણે ત્યાં પિતૃઓના કલ્યાણ માટે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાની પરંપરા છે. મેં પણ મારા પિતાજી હરસુરબાપા ભગત અને સર્વ પિતૃઓના કલ્યાણ માટે 1997માં શ્રીમદ્ ભાગવત્ વિદ્યાપીઠ અમદાવાદના વિદ્વાન પંડિતશ્રી લાભશંકર શાસ્ત્રીની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરેલ હતું. શાસ્ત્રોના ઊંડા અભ્યાસી અને ઉત્તમ વકતા પૂ. લાખણશીભાઈ ગઢવી જૂનાગઢ વ્યાસપીઠથી શ્રીમદ્ ભાગવત્ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સરળ, સહજ, સ્પષ્ટ, સત્ય અને સજ્જનતા જેના આચાર, વિચાર અને વાણીમાં અનુભવી શકાય છે, તેવા વિદ્વાનશ્રી લાખણશીભાઈ ગઢવીની રસાળ કથાશૈલી માણવાના મને 25-26 નવેમ્બર 2022 એમ બે દિવસ અહોભાગ્ય પ્રાપ્ત થયા. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞના યજમાન પદે સ્વ. રાજાબાપા સુવા પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવેલ છે, તે દાદ માંગી લે તેવું છે. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ સમગ્ર આયોજનમાં સમસ્ત આહીર સમાજ ઉપલેટાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ સુવાની એક અદના સેવક તરીકેની કામગીરી જોઈ તેમના પ્રત્યે અહોભાવની લાગણી અનુભવી.
સગા-સબંધીઓ ઉપરાંત જાહેર આમંત્રણથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનસામાન્ય લોકોને સનાતન ધર્મની સીધી, સાદી અને સરળ સમજ આપવા સાથે પૂ. લાખણશીભાઈ ગઢવીની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોતાની આગવી રસાળ શૈલીમાં કથારસ પીરસી રહ્યા છે, જે સાંભળી પ્રસન્નતાની લાગણી અનુભવવા મળી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ માટે બપોર તથા સાંજના સરસ મજાના ભોજન સાથે જાહેર આમંત્રણથી આવેલા જાણ્યા તેમજ અજાણ્યા મહેમાનો માટે રહેવા વગેરેની સુવા પરિવાર તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે.
શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞના સુંદર આયોજન બદલ હરદાસભાઈ સુવા, કાનાભાઈ સુવા, રાજસીભાઈ સુવા,મેરામણભાઈ સુવા, શૈલેશભાઈ સુવા, કિશોરભાઈ સુવા, રંભીબેન સુવા, ધાનીબેન સુવા, લીરીબેન સુવા, હીરીબેન સુવા, લાખીબેન સુવા તથા તેમના સમસ્ત પરિવારનો જાહેરમાં આભાર માનતા ધન્યતાની લાગણી અનુભવી. એ સાથે સ્વ.શ્રી રાજાબાપા સુવા પરિવાર તરફથી મને જે માન-સન્માન આપ્યું તે બદલ સહૃદયી તેમનો આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version