બોલિવૂડ
છેતરપિંડીનો આરોપ લાગ્યો શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી પર કોર્ટે મોકલ્યું સમન્સ જાણો શું છે સમગ્ર મામલો
શિલ્પા શેટ્ટીના પરિવાર પર મુશ્કેલીઓ દૌર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી. તાજેતરમાં જ તેમના પતિ જેલમાંથી બહાર આવ્યા છે અને હવે તેમની માતા વિરૂદ્ધ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે, જેના લીધે તેમના વિરૂદ્ધ જામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. આ મામલે અત્યારે શેટ્ટી પરિવાર તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.
શિલ્પાની માતા વિરૂદ્ધ સમન્સ જાહેર
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી વિરૂદ્ધ કથિત રીતે 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવાના મામલે મુંબઈની એક કોર્ટે જામીનપાત્ર વોરન્ટ (Bailable Warrant) જારી કર્યું છે. આ પહેલા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી કોર્ટ) આર.આર ખાને શિલ્પા શેટ્ટી, તેમની માતા સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટીને છેતરપિંડીના એક મામલે સમન્સ મોકલ્યું હતું.
પિતાએ લીધી હતી લોન
શેટ્ટી પરિવારે આ સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે સેશન્સ જજ એઝેડ ખાને શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી વિરુદ્ધ મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, પરંતુ તેમની માતાને રાહત આપી ન હતી. કોર્ટે કહ્યું હતું કે, શિલ્પા શેટ્ટીના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા શેટ્ટી તેમની કંપનીમાં ભાગીદાર હતા અને તેમની પુત્રીઓ પણ ભાગીદાર હતી. તેના કોઇ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હતા અને તેમનો લોન સાથે કોઇ સંબંધ છે એવું પણ જણાવવામાં આવ્યું નહોતું.
બિઝનેસમેને લગાવ્યો આરોપ
આ અંગે વિગતવાર વાત કરીએ તો ત્રણેય વિરૂદ્ધ એક બિઝનેસમેને જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બિઝનેસમેનનો દાવો હતો કે, શિલ્પા શેટ્ટીના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટીએ 2015માં ઉધાર પૈસા લીધા હતા. તેમને જાન્યુઆરી 2017માં પૈસા ચૂકવવાના હતા પરંતુ પરિવારે પૈસા ચૂકવવાની સ્પષ્ટ ના પાડી દીધી. જે બાદ તેમણે ત્રણેય પર ફર્મ મેસર્સ વાઇ એન્ડ એ લીગલ દ્વારા 21 લાખની છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવી.
25 માર્ચ યોજાશે આગામી સુનાવણી
ફરિયાદકર્તા કોર્ટમાં કોઇ દસ્તાવેજ દાખલ કર્યા નથી કે શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી પણ ફર્મમાં ભાગીદાર છે અને તેમનો ઇરાદો છેતરપિંડીનો છે. તેના લીધે બંનેને કોર્ટે રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, મેજિસ્ટ્રેટ કોર્ટ સુનંદા શેટ્ટી વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ રાખી શકે છે. આ મામલે આગામી સુનાવણી 25 માર્ચના રોજ યોજાશે.