એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે અને લોકો તેના વખાણ કરતા પણ થાકતા નથી.
આ વચ્ચે બોલીવૂડ અભિનેતા સલમાન ખાને પણ ‘RRR’ની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે, રામચરણ પર તેઓ ગર્વ અનુભવે છે. હું ચિરંજીવીને ઘણા સમયથી ઓળખું છું અને તેમના પુત્ર રામ ચરણ મારા સારા મિત્ર છે. તેમણે ‘RRR’માં શાનદાર પ્રદર્શન કર્યું છે.
સલમાન ખાને ઉમેર્યું કે, પરંતુ મને આશ્ચર્ય થાય છે કે દક્ષિણમાં આપણી ફિલ્મો આટલી સારી કમાણી કેમ નથી કરી રહી? જ્યારે તેમની ફિલ્મો અહીં સારું પ્રદર્શન કરી રહી છે.
ફિલ્મના નિર્માતાઓને સૂચન કરતાં સલમાને જણાવ્યું કે, હિરોઈઝમ હંમેશા કામ કરે છે કારણ કે તેની સાથે એક પ્રકારનું જોડાણ હોય છે અને તે સિને-પ્રેમીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સલીમ-જાવેદના સમયમાં અમારી પાસે આ ફોર્મેટ હતું પરંતુ હવે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓ તેને આગલા સ્તર પર લઈ જઈ રહ્યા છે.
દક્ષિણ ભારતમાં ફેન ફોલોઈંગ ખૂબ જ છે અને હવે હું ચિરંજીવી સાથે પણ કામ કરી રહ્યો છું. તેમની ફિલ્મોની એક અલગ શૈલી છે અને તે ઘણી સારી છે. જો તમે ‘દબંગ’ સિરીઝ જુઓ છો તો પવન કલ્યાણે તેને તેલુગુમાં બનાવી છે. આવી વધુ ફિલ્મો બનવી જોઈએ. હાલ અમે ‘કભી ઈદ કભી દિવાલી’ કરી રહ્યા છીએ. એક સમય એવો આવવો જોઈએ કે તેઓ ફરી આપણી ફિલ્મોની રિમેક બનાવે.