Russia Ukraine War: રશિયા-યુક્રેન સરહદ પર ઘટનાક્રમ આજે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. હવે યુક્રેન અને રશિયા દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. રશિયાનું કહેવું છે કે, તે માત્ર યુક્રેનમાં લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. સાથે જ યુક્રેનનો દાવો છે કે સામાન્ય લોકો પણ મૃત્યુ પામ્યા છે.
હુમલાની શરૂઆત યુક્રેનના જુદા-જુદા ભાગોમાં વિસ્ફોટો સાથે થઈ હતી. હાલમાં યુક્રેને પીએમ મોદીની સાથે અન્ય દેશો પાસેથી પણ મદદ માંગી છે. આ સાથે જ અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે. ચીને આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા વિનંતી કરી છે.
UNમાં રશિયાએ હુમલા પર પોતાનો પક્ષ પણ રાખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર કરાયેલ વિશેષ અભિયાન યુક્રેનના લોકોની સુરક્ષા માટે છે, જેઓ વર્ષોથી પીડિત છે. અમારો ધ્યેય યુક્રેનને નરસંહારથી મુક્ત કરવાનો છે.
કિવ નજીક યુક્રેનનું સૈન્ય વિમાન ક્રેશ
યુક્રેનની રાજધાની કિવ નજીક યુક્રેનનું લશ્કરી વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્લેનમાં 14 લોકો સવાર હતા.
NATOએ આપી આ સૂચના
રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે NATOએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. NATOએ રશિયાને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોમાંથી તેના તમામ દળોને પરત બોલાવવા કહ્યું છે. NATOએ વધુમાં કહ્યુ હતુ કે રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. વિશ્વ રશિયાના ઈરાદાઓને જોઈ રહ્યું છે, તે યુક્રેન પર તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.
યુક્રેનમાં ભારતીય રાજદુતે કહ્યું હતું કે કિવમાં ભારતનું દુતાવાસ બંધ કરવામાં નહીં આવે. તે પહેલાની જેમ જ કામ કરતું રહેશે. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કહ્યું હતું કે, વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 18 હજાર ભારતીયોને પરત લાવવા માટે પગલા ભરી રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.