આ વર્ષે ઘણા મોટા બજેટની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ યાદીમાં અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’નું નામ પણ સામેલ છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે ફિલ્મનું ટીઝર પણ સામે આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, સલમાન ખાને અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદના અવસર પર રિલીઝ (Runway 34 Release Date) થશે. આ વખતે ઈદના અવસર પર સલમાનની કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી દબંગ ખાને અજય દેવગનને ટેકો આપવાનો નિર્ણય કરીને સાથે મળીને ઈદ ઉજવવાનું નક્કી કર્યું છે.
સલમાન ખાને રિલીઝ કર્યું ટીઝર
અજય દેવગનને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે. આ વાતની જાહેરાત ખુદ દબંગ ખાને ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર રિલીઝ કરીને કરી છે. આ વર્ષે ઈદના અવસર પર અજય દેવગન દર્શકોને પોતાની ફિલ્મની ભેટ આપી રહ્યા છે.
48 સેકન્ડના ટીઝરમાં અજય દેવગન વિમાનની અંદર મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા જોવા મળે છે. તેમની સાથે કો-પાયલોટ અભિનેત્રી રકુલપ્રીત સિંહ જોવા મળી રહી છે. આ સીનમાં અજય દેવગનના ચહેરા પર ડર અને મુશ્કેલી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓ પોતાની ફ્લાઈટને ખરાબ હવામાનમાંથી બહાર કાઢવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ટીઝરમાં અમિતાભ બચ્ચનની ઝલક પણ બતાવવામાં આવી છે.
શાનદાર છે રનવે 34નું ટીઝર
ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને 48 સેકન્ડના આ ટીઝરે ચાહકોની ઉત્સુકતાને વધારી દીધી છે. આ ટીઝરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મનું ટ્રેલર 21 માર્ચે રિલીઝ થશે.
આ છે સ્ટાર કાસ્ટ
આ ફિલ્મનું દિગ્દર્શન સુપરસ્ટાર અજય દેવગણે પોતે કર્યું છે અને તેઓ મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, કેરી મિનાતી, બોમન ઈરાની અને આકાંક્ષા સિંહ જોવા મળશે.