ગાંધીનગર
પઠાણ ફિલ્મનો રાષ્ટ્રીય શેક્ષિક મહાસંઘે કર્યો વિરોધ
બોલિવૂડની ફિલ્મ પઠાણ 23 જાન્યુઆરીએ રિલીઝ થનાર છે ત્યારે આ ફિલ્મનું સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી ટ્રેલર અને ગીત લોન્ચ કરાયું છે, જેને લઈને અત્યારેસમગ્ર દેશમાંવિરોધ થઇ રહ્યો છે., ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ રીલિઝ ના થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરી છે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના પ્રમુખ ભીખાભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતનાં દૃશ્યો જોતાં તેમાં અશ્લીલતાથી ભરપૂર દૃશ્યો અને સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાઈ તે રંગના કોસ્ચ્યૂમ તેમજ અન્ય બાબતો છે. જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના માનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે તેમ છે.
તેમણે વધુમાં રજુઆત કરી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ ફિલ્મથી ભારતીય સંસ્કૃતિને પણ ઠેસ પહોંચી છે. આ ફિલ્મ સમાજ માટે ઘાતક છે, સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠોરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવા જોઈએ.