ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨
દિવ્યાંગ મતદારોને નોંધણી કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા PWD મોબાઇલ એપ તૈયાર કરાઈ
PWD મોબાઇલ એપમાં દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી, નામ ટ્રાન્સફર, નામ સુધારવા કે કમી કરવા, વ્હીલચેર અને મતદાન મથક શોધવા માટેની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દિવ્યાંગ મતદારો માટે PWD મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૦૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. અવસર લોકશાહીનો અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં દિવ્યાંગ મતદાર તરીકે નોંઘણી કરાવવા માટે ‘PWD મોબાઇલ એપ’ તૈયાર કરવામાં આવી છે. આ એપ દ્વારા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવી શકાશે. આ ઉપરાંત, મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા, નામ સુઘારવા કે કમી કરાવવા, વ્હીલચેર માટે, મતદાન મથક શોધવા માટેની વિવિધ સુવિધાઓ PWD મોબાઇલ એપ પર ઉપલબ્ઘ કરાવવામાં આવી છે.
આ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ અંગેની વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર- ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે. ઉપરાંત, https://ceo.gujarat.in/Default પરથી તમામ માહિતી મેળવી શકાશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સહયોગ સંકુલ, ગ્રાઉન્ડ ફલોર, સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક કરવો.