ટેકાના ભાવે ખરીદી માટે કરેલા આયોજનની સમીક્ષા કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
રાજ્યમાં તુવેર માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ અને રાયડા માટે ૧૦૩ ખરીદ કેન્દ્રો નક્કી કરાયા
રાજ્યમાં તુવેર માટે ૫,૫૫૦, ચણા માટે ૨,૨૦,૧૭૫ અને રાયડા માટે ૧૦,૧૬૪ ખેડૂતોએ નોંધણી કરાવી
તુવેર માટે રૂ. ૬૬૦૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. ૫૪૫૦ પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી ૧૦મી માર્ચ, ૨૦૨૩ ના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. જે સંદર્ભે ખરીદી માટેના આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીઓની કૃષિ મંત્રીએ આ બેઠકમાં સમીક્ષા કરી હતી.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ ૨,૫૦૦ કિ.ગ્રા. એટલે કે, ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ અને રાયડા માટે ૧૦૩ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે ૫,૫૫૦, ચણા માટે ૨,૨૦,૧૭૫ અને રાયડા માટે ૧૦,૧૬૪ ખેડૂતોએ નોંધણી કરાવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૬૬૦૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. ૫૪૫૦ પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે ૧,૦૦,૧૯૬, ચણા માટે ૩,૮૮,૦૦૦ અને રાયડા માટે ૧,૨૫,૩૦૦ મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પની લી.ની નિમણુંક કરવામાં આવી છે.