વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર
ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું
વડાપ્રધાન ના હસ્તે મહેસાણામા રૂ. ૩૦૯૨ કરોડથી
વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી:-
પંચામૃત વિકાસ કામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે- પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે
રાજ્યમાં અવિરત વિજળી-પાણીના પગલે પશુ-પાલન, ખેતી અને ઉદ્યોગ જેવા ક્ષેત્રો માટે નવી દિશાઓ ખુલી છે
સાયકલ બનાવવાના સાંસા ધરાવતા ગુજરાતમાં હવે ગાડીઓ બનવા માંડી છે. હવે એ દિવસો દૂર નથી કે જ્યારે આપણે વિમાનો બનાવીશું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:-
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પારદર્શી, સમયબદ્ધ રીતે અને પ્રજાના પૈસાનો પૂરેપૂરો સદુપયોગ કરી એક રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે
નરેન્દ્રભાઈ મોદી પ્રજાની પીડા પારખીને એનું સમાધાન લાવનારા જુજારૂ નેતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર
ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે , આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની નવી ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં શરદ પૂર્ણિમા અને મહર્ષિ વાલ્મિકીની પૂર્ણ્યતિથીનો ત્રિ-વેણી સંગમ રચાયો છે. સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આસ્થા અને ટેક્નોલોજીનો સમન્વય થતા અનેક લોકોના સપના સાકાર થઇ રહ્યા છે. સાથે-સાથે સ્માર્ટ ગુજરાત – ભારતનો સંકલ્પ સાકાર થઇ રહ્યું છે. મોઢેરા ‘સૂર્યગ્રામ’ જાહેર થતા મોઢેરા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ અનેરો અવસર આવ્યો છે. સૂર્ય મંદિર માટે ઓળખાતું ગામ હવે ‘સૂર્ય ગ્રામ’ તરીકે પ્રખ્યાત બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, વિશ્વના પર્યાવરણ ઇતિહાસમાં મોઢેરાનું નામ સૂવર્ણ અક્ષરે અંકિત થશે. મોઢેરા સૂર્ય મંદિરને ધ્વસ્ત કરવા આક્રાંતાઓએ અનેક પ્રયાસો કર્યા હતા, સંખ્યાબંધ અત્યાચાર થયા હતા. આજે પૌરાણિક મહત્વ સાથે વિશ્વ આખા માટે મોઢેરા મિશાલ બન્યું છે. વિશ્વમાં સૌર ઉર્જાની વાત થશે ત્યારે મોઢેરાનો ઉલ્લેખ અવશ્ય થશે. મોઢેરા ગામમાં બધુ જ સૂર્ય ઉર્જાથી ચાલતું થયું છે તે આપણા માટે ગૌરવની વાત છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આ વિશેષ ભેટ છે. આગામી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ-રાત નિરંતર પ્રયાસ આપણે કરી રહ્યા છીએ.
મોદીએ કહ્યું કે, આ યોજનાથી માત્ર વીજળી જ નહીં પરંતુ તેના વપરાશ બાદ પૈસા પણ મળશે. તેનાથી વિજબીલમાંથી છુટકારો અને નાણાં પણ મળશે. અત્યાર સુધી સરકાર વીજળી ઉત્પાદન કરતી અને લોકો ખરીદતા હતા, પણ હવે તેમાં બદલાવ આવ્યો છે. લોકો ઘરોમાં સોલાર પેનલ લગાવે, ખેડૂતો ખેતરમાં વીજળી ઉત્પન કરે અને સરકાર ખરીદે છે, આ પરિસ્થિતિના કારણે લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. હવે સરકાર લોકોને સોલાર ઉર્જા માટે સહાયરૂપ થાય છે. દેશમાં સૌર ઉર્જાથી ચાલતા પમ્પોનું ઉત્પાદન પણ વધ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મોદીએ કહ્યું કે, મહેસાણા સહિત અનેક વિસ્તારોને વિજળી અને પાણી માટે વલખા મારવા પડતા હતા, એ કપરા દિવસો આપણે જોયા છે, આજની પેઢીને તેની જાણ નહીં હોય. પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાયું છે. આજની યુવા પેઢીને આ બદલાયેલી સ્થિતિનો સમુચિત ઉપયોગ કરવાનો અવસર પણ મળ્યો છે. ગુજરાતમાં છાશવારે હુલ્લડો થતા પણ આજે સમગ્ર સ્થિતિમાં હકારાત્મક બદલાવ આવ્યો છે. એક સમય હતો કે વિકાસના વિરોધનું વાતાવરણ હતુ અને આજે ગુજરાત અને ભારત દેશ વિશ્વમાં પોતાની આગવી છાપ ઉપસાવી રહ્યા છે.
પોતાને મળેલા જનસમર્થનનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, મારા પંચામૃત વિકાસકામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે. પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થયના પંચશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રસ્તા, રેલ કનેક્ટિવિટી પર એટલું જ ધ્યાન આપ્યું છે તેના ફળ આપણને મળ્યા છે. જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત એક હજાર દિવસમાં ગામે-ગામ વિજળી ઉપલબ્ધ કરી અને દેશમાં પણ યોજનાનો સફળતાપૂર્વક અમલ કર્યો એમ તેમણે ઉમેર્યું હતું.