ગાંધીનગર
૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
. ૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને
આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’નો દેશવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન ડિજિટલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના વિવિધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથે આ પ્રદર્શન મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સેવાઓ કેવી રીતે સરળતાથી મળી રહે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે.
તા. ૬ જુલાઈ સુધી યોજાનાર આ આધુનિક ટેકનોલૉજીસભર પ્રદર્શનની મુલાકાત લેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓ-યુવાઓ સહિત ટેકનોસેવીઓને અનુરોધ કર્યો હતો.
ટેકનોલૉજીયુક્ત આધુનિક પ્રદર્શનની એક ઝલક :
આ પ્રદર્શનમાં મુખ્યત્વે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, આધાર, સી-ડેક, આયુષમાન ભારત ડિજિટલ મિશન, ડિજિટલ પેમેન્ટ પેવેલિયન, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, સેફ એન્ડ ટ્રસ્ટેડ ઇન્ટરનેટ, ઇ-સંજીવની, ડિજિટલ ભાષિની, નેશનલ ઇ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક, આઈ-ક્રિએટ, આઈટી આધારિત ફિનટેક કંપનીઓ તેમજ બિહાર અને ઉત્તરાખંડના આઈટી વિભાગો વગેરે જેવી મહત્વની સંસ્થાઓ ભાગ લઈ રહી છે.
કેન્દ્ર સરકારની એક આગવી પહેલ CSC એટલે કોમન સર્વિસ સેન્ટર. CSCના માધ્યમથી દેશના લાખો ગામોમાં નાગરિકોને ઘરે બેઠા અંદાજે ૪૦૦ જેટલી સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સહિત ભારતના ૨૮ રાજ્યોમાં ૧,૭૮૬ જેટલી CSC બાળ વિદ્યાલય કાર્યરત છે. આ બાળ વિદ્યાલયમાં ૩ થી ૬ વર્ષના બાળકોને NEP-2020 હેઠળ ટેક્નોલોજી એેનેબલ પ્લેફુલ લર્નિંગ આપવામાં આવે છે. જેનો ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમ IIT દિલ્હી, દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
CSC હેઠળ મુખ્યત્વે ડિજિટલ વિલેજ, CSC એકેડમી, CSC ઓલિમ્પિયાડ, ગ્રામીણ e-store, CSC FPO મોડેલ અને CSC એગ્રિકલ્ચર જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-NCPI અંતર્ગત ‘‘ડિજિટલ પેમેન્ટ પેવેલિયન’’ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ઓનલાઇન પેમેન્ટ સેવાઓ જેવી ભારત પે, કાર્ડ 91, SBI, Zaggle, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંન્ક, Paytm, Tone Tag- પેમેન્ટ સર્વિસ, DBT ભારત અને bob વર્લ્ડ જેવી સેવાઓ અને તેનો ડિજિટલ માધ્યમથી કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
ભારતના નાગરિકોને ઘરે બેઠા AIIMS જેવી પ્રતિષ્ઠિત આરોગ્ય સંસ્થાના તબીબો દ્વારા ટેલિફોન-મોબાઇલ પર માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી વર્ષ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા ઇ-સંજીવની-નેશનલ ટેલીમેડિસિન સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં ૪ કરોડથી પણ વધુ નાગરિકોએ જ્યારે ભારત બહાર ૨ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.
આયુષમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત દરેક નાગરિકોને ૧૪ આંકડાનો આયુષમાન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) નંબર આપવામાં આવશે, જેમાં દર્દીની સંપૂર્ણ વિગતો સામેલ હશે, આ માટે આભા એપ પણ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં દર્દીની સ્વાસ્થ્યલક્ષી તમામ વિગતો સામેલ હશે. આ મિશન હેઠળ હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી, હેલથ ફેસીલિટી રજિસ્ટ્રી અને યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ-યુએચઆઈ જેવી ઓનલાઈન આરોગ્યલક્ષી સુવિધાઓ-સેવાઓ ઉપલબ્ધ થશે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલ ૭૫ જેટલી મહત્વની ડિજિટલ સેવાઓ અંગેની જાણકારી ડિજિટલ માધ્યમથી આપવામાં આવી છે, જેમાં વન નેશન વન રાશન કાર્ડ, ઇ-હોસ્પિટલ, આરોગ્ય સેતુ, પીએમ-કિસાન, ઇ-શ્રમ, ઇ-કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સી-ડેક, પૂના દ્વારા નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્વદેશી સુપર કોમ્પ્યુટર પરમ શાવક-વીઆરનું જ્યારે સી-ડેક ત્રિવેન્દ્રમ દ્વારા નિર્મિત સ્વદેશી માઈક્રો-પ્રોસેસર ‘તેજસ’નું તથા હિઅરીંગ એઈડ ડિવાઈસ ‘તરંગ’નું નિદર્શન કરવામાં આવ્યું છે.
ડિજિટલ ભાષિની એપ થકી કોઈપણ નાગરિક પોતાને માલૂમ ન પડતી ભાષાનું ભાષાંતર કરી શકશે. આ ભાષાંતર ટાઈપ કરેલા અક્ષરનો ફોટો પાડીને કે વૉઈસ દ્વારા પણ ત્વરિત પોતાની ભાષામાંતેનું ભાષાંતર સરળતાથી કરી શકશે. આ પ્રોગ્રામમાં પ્રથમ વર્ષમાં ૧૦ સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર બાદ બીજા વર્ષે અન્ય ચાર ભાષાઓને પણ આવરી લેવામાં આવશે. હાલમાં ૭૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને સરકાર મળીને પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માટે કાર્ય કરી રહી છે. પ્રોગ્રામમાં કોઈપણ ઊણપ ન રહે તે માટે મદ્રાસ, હૈદરાબાદ તથા મુંબઈની આઈઆઈટી પ્રોગ્રામના સુચારું આયોજન માટે કાર્યરત છે. આ એપ્લિકેશનના નિર્માણ બાદ કોઈપણ મોબાઈલ કંપની વિનામૂલ્યે તેનો ઉપયોગ કરી શકશે.
આઈ-ક્રિએટ તકનિકી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી આયાતી ચિપ્સ પરનું અવલંબન ઘટાડવા અને ભારતનું આઈપી રાખવા માટે એક ‘સિસ્ટમ ઓન ચીપ’ વિકસાવી રહી છે, જે એક મોટર કન્ટ્રોલર, વાહન નિયંત્રણ એકમ અને બેટરી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમને બે ઇંચની QFN ચીપમાં સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે.