ગાંધીનગર
રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષ માટે યુવાનો પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે પ્રફુલભાઈ પાનસેરીયા
ગાંધીનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારંભ યોજાયોઃ ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિવિધ શાખા ના ૩૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સીટીના છઠ્ઠા પદવીદાન સમારોહ પ્રસંગે પદવીધારક યુવાનોને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાએ યુવાનોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ થકી સાકાર કરવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, પદવીધારક યુવાઓ રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે. યુવાનોને સત્યના માર્ગ પર કર્તવ્યધર્મના પાલન દ્વારા સતત કાર્યશીલ રહેવા અનુરોધ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કરેલું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. જેવું કર્મ કરવામાં આવે તેવું જ હંમેશાં ફળ મળે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, તમે સમાજને જેટલું આપશો તેટલું સમાજ પરત આપશે. મંત્રીશ્રીએ ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં ગુરુ શિષ્યના સંબંધોને આદર્શરૂપ ગણાવ્યા હતા. મંત્રીએ વિચારોની શક્તિનો પરિચય આપતા જણાવ્યુ હતું કે, જેવું વિચારશો તેવું જ જીવન નિર્માણ પામશે.
આ દીક્ષાંત સમારોહમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિવિધ શાખા ના ૩૧૩થી વધારે વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મંત્રીએ સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ તથા સ્નાતકોને જણાવ્યું હતું કે આવનારો સમય ખૂબ જ ગતિશીલ છે, ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સ્કીલ બેઝ નોલેજ હશે તો જ ટકી શકાશે. તેમણે પદવીધારક વિદ્યાર્થીઓને રિસર્ચ તથા ઇનોવેશન દ્વારા કંઈક અલગ કરીને પોતાની પ્રતિભાથી અને દેશ તથા દુનિયાને પ્રભાવિત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રો. રાવ ભામિદીમારીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. એક્ટિંગ પ્રોવોસ્ટ ડો. મનીષ શર્મા તથા રજીસ્ટર ડોક્ટર મનીષ પરમાર દ્વારા સમારંભના મુખ્ય મહેમાન મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવે શિક્ષણ મંત્રીનો આભાર માની સર્વે પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પદવિદાન સમારંભમાં યુનિવર્સિટીના પદાધિકારી, વાલીગણ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશુભાઇ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ વિશેષ ઉપસ્થિત રહયા હતા. અંતમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.મનીષ પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર પદવીદાન સમારંભનું સંચાલન પ્રેસીડેન્ટ પ્રોફેસર રાવના માર્ગદર્શન હેઠળ રજીસ્ટ્રાર ડો. મનીષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.