વિઘાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં વિવિધ પાર્ટીઓની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ ગતરોજ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદથી જ આગામી ચૂંટણીમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા કેજરીવાલની નજર ગુજરાતના આદિવાસી મતદારો પર છે. આગામી ચૂંટણીમાં AAP અને BTP સાથે મળી ભાજપ સામે મોરચો માંડશે તેવી માહિતી સામે આવી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ અને BTPના ધારાસભ્ય મહેશ વસાવા વચ્ચે 1 કલાક સુધી વાતચીત થઈ હતી. આ બેઠકમાં ગુજરાત આપના નેતા ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ હવે કેજરીવાલની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. આ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચારને લઈને પણ આપ દ્વારા બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં રહેતા આદિવાસી મતદારો પર આમ આદમી પાર્ટીની નજર જોવા મળી રહી છે.