દિલ્હીમાં મંગળવારે 80 પૈસા પ્રતિ લીટરના વધારાની સાથે પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું. જ્યારે ડીઝલની કિંમતમાં આજે 70 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે. મોદી સરકાર લૂંટ કરી રહી છે. કોંગ્રેસે આ અંગે ટ્વીટ પણ કર્યું છે, જેમાં લખ્યું છે કે, ‘પેટ્રોલ 100ને પાર કરી ગયું છે, આ સરકાર લૂંટ કરી રહી છે.’
કોંગ્રેસે વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે,’ચૂંટણી પૂરી થતાની સાથે જ તેલની કિંમતોએ ટેન્શન આપવાનું શરૂ કરી દીધું છે. મોદી સરકારે અત્યાર સુધી જે અશક્ય હતું તે શક્ય કરીને બતાવ્યું. પેટ્રોલની કિંમતે મોંઘવારીની સદી ફટકારી છે.’ આ સાથે કોંગ્રેસે એક તસવીર પણ પોસ્ટ કરી છે.
આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 76થી 85 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 67થી 75 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 70 પૈસાનો વધારો થયો છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 85 પૈસા અને ડીઝલની કિંમતમાં 75 પૈસાનો વધારો થયો છે. કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 83 પૈસા અને ડીઝલની કિંમતમાં 70 પૈસાનો વધારો થયો છે. એ જ રીતે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં 76 પૈસા અને ડીઝલની કિંમતમાં 67 પૈસાનો વધારો થયો છે.
જાણો મુખ્ય મહાનગરોમાં કેટલી છે કિંમત
શહેર ડીઝલ પેટ્રોલ
દિલ્હી 91.47 100.21
મુંબઈ 99.25 115.04
કોલકાતા 94.62 109.68
ચેન્નાઈ 96 105.94
રુસો-યુક્રેન યુદ્ધની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર
રુસો-યુક્રેન યુદ્ધની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને તે સતત વધી રહી છે. જો આપણે આજે નાયમેક્સ ક્રૂડના ભાવ પર નજર કરીએ તો, તે 0.66 ટકા ઘટીને $105.96 પ્રતિ બેરલ પર આવી ગયા છે. સતત વધી રહેલી કિંમતો બાદ કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 130 ડોલર સુધી જવાની આશા છે.