ખાનગી શાળાઓમાં શિક્ષણ મોંઘુ થતા વાલીઓનો મોહભંગ થયો છે અને તેઓ સરકારી શાળા તરફ વળ્યાં છે. સુરતમાં આ વર્ષે 14,723 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. ખાનગી શાળાઓ છોડીને બાળકો શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે.
સુરતના પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં 4થી 5 હજારનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3,732 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. વરાછા જોનમાં 3,527 તો કતારગામ ઝોનમાં 2,735 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
આના કારણે જ લાગી રહ્યું છે કે, સુરતની શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે શિક્ષણથી માંડીને તમામ વ્યવસ્થાઓ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી થઈ રહી છે. જોકે આની પાછળના કારણોનું મુખ્ય કારણ કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ છે.
કોરોનાકાળમાં અનેક લોકોએ રોજગારી ગુમાવતા તેમની આર્થિક સ્થિતિ કથળી છે જેના કારણે તેમને ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી પોસાય તેમ નથી તેથી તેઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે.
બીજી બાજુ હમણાં તાજેતરમાં જ સુરતમાં ઘણી ખાનગી શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. વધુમાં દિનપ્રદિન સરકારી શાળાઓનું સ્તર સુધરે એ દિશામાં સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.