ત્યારે રાજ્યમાં વારંવાર સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં બનેરો સાથે દેખાવ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં પેપરકાંડનો મુદ્દો ગાજ્યો હતો અને હંગામો મચ્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 15 મિનિટ સ્થગિત રાખવી પડી હતી. ત્યારબાદ આ કામગીરી ફરી શરૂ થતા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
કોંગ્રેસ નેતા પુંજાભાઈ વંશે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરી જણાવ્યું કે, ગતરોજ વનરક્ષકની ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તેની ગૃહમાં ચર્ચા કરવામાં આવે. ત્યારે વિધાનસભા અધ્યક્ષે પુંજાભાઈ દ્વારા ઉઠાવવામાં આવેલ પોઈન્ટ ઓફ ઓર્ડરને નકારી કાઢ્યો હતો.
જેના કારણે કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને ‘પેપર ફોડ ભાજપ સરકાર નહીં ચલગી, નહીં ચલેગી’ના ગૃહમાં નારા લગાવ્યા હતા. જ્યારે કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં સરકાર વિરોધી પ્લેકાર્ડ પણ દર્શાવ્યા હતા.
આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, વિધાનસભાની અંદર ધારાસભ્યોને રોકવામાં આવે, બહાર બેરોજગાર યુવાનોની હજારોની રેલી છે તેને તોડવામાં આવે. તાનાશાહી સરકારની અંદર યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ ના થાય.
ધારાસભ્યએ ઉમેર્યું કે, નવ-નવ વખત પરીક્ષાઓ રદ થાય. LRDથી લઈને તલાટીથી લઈને હર કોઈ વખતે પેપર લીક થાય. આ પેપર લીક નથી, આખી સરકાર લીક છે. આ સરકારની અંદર પેપર લીકમાં યુવાનોનું નસીબ ફૂટ્યું છે.