સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર SOG પોલીસે રેડ કરી હતી.જેમાં ૮૫૯૧ અફીણ ના લીલા છોડ સહીત કુલ રૂપિયા ૨૩,૭૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અફીણના પોષ ડોડવાનો જથ્થો ઝડપાય છે ત્યારે SOG પોલીસે સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણના વાવેતરનો પર્દાફાસ કર્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જુના જશાપર ગામર રહેતા રમેશભાઇ જેશાભાઇ કાલરીયા તેમના જુના જશાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં લીંબુ, ચીકુ, મોસંબી સહીતના બાગાયતી પાકના વાવેતરની આડમાં અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી SOG પોલીસ ટીમને મળતા રેડ કરી હતી. જેમાં ખેતરમાં બાગાયતી પાકની વચ્ચે અફીણના અધધધ ૮૫૯૧ છોડ મળી આવતા પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.પોલીસે અફીણના છોડ ૭૯૦ કિલોગ્રામ અને અેક મોબાઇલ સહીત કુલ રૂપિયા ૨૩,૭૨,૫૦૦ નો મુદ્દામાલ સાથે રમેશ કાલરીયાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી રમેશની પ્રાથમિક પુછપરછ કરતા અફીણના વાવેતર માટે હાઇવે પરથી અેક ટ્રક ડ્રાઇવર પાસેથી બીયારણ લઇ વાવેતર કર્યું હોવાની વિગતો બહાર આવી છે. તેમજ આટલી મોટી માત્રમાં અફીણનું વાવેતર કેમ કર્યું હતુ તે બાબતે આરોપી દ્વારા હજુ સુધી ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે ત્યારે આ વાવેતર પાછળ અન્ય કોઇ ઇસમો સંડોવાયેલા છે કેમ, અફીણ નું વેચાણ માટે શુ પ્લાન હતો તે સહીતની બાબતો અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે .