જાણવા જેવું
OMG…સિક્કાઓથી ભરેલી બોરીઓ લઈને મહિન્દ્રાના શોરૂમમાં પહોંચ્યો યુવક, કહ્યું- મારે બોલેરો જોઈએ છે; ગણતા-ગણતા સ્ટાફને વળી ગયો પરસેવો
સામાન્ય રીતે જ્યારે ગ્રાહક કાર ખરીદવા જાય છે ત્યારે શોરુમના તમામ કર્મચારીઓ ખુશ થઈ જાય છે. જોકે, ઘણી વખત આ ખુશીઓની સાથે ગ્રાહકો કર્મચારીઓને મુશ્કેલીમાં પણ મુકી દે છે. આવી જ એક ઘટના આસામમાં બની છે. જેમાં એક ગ્રાહક બોલેરો કાર ખરીદવા શોરુમમાં ગયો અને શોરુમના કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો. હકીકતમાં ગ્રાહક બોરીઓમાં સિક્કા ભરીને કાર ખરીદવા પહોચ્યો હતો.
બોલેરો ગાડી ખરીદવા માટે પહોંચ્યો યુટ્યુબર
એક યુટ્યુબર તેના મિત્રો સાથે મહિન્દ્રા શોરૂમ પર પહોંચ્યો અને સિક્કામાં ચૂકવણી કરીને નવી મહિન્દ્રા બોલેરો કાર ખરીદી. વીડિયોમાં આ કારની કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં મિત્રોના એક ગ્રુપને મહિન્દ્રાના શોરૂમમાં પ્રવેશતા અને બોલેરોની કિંમતો વિશે પૂછપરછ કરતા જોઈ શકાય છે. શોરૂમમાં પ્રવેશતાની સાથે જ યુટ્યુબરે સફેદ રંગની બોલેરોની કિંમત વિશે પૂછપરછ કરી અને પછી તેના મિત્રો સિક્કાઓની ભરેલી અનેક બોરીઓ લઈને શોરુમમાં પહોંચ્યા.
કાર ખરીદવા માટે સિક્કાઓથી કરી ચૂકવણી
વીડિયોમાં જોઈ શકાય છે કે , જ્યારે તેને સિક્કા દ્વારા ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે શોરૂમના કર્મચારીઓને ટેબલ અને ફ્લોર પર પૈસાની ગણતરી કરવા લાગે છે. એકવાર ચુકવણી થઈ ગયા બાદ તેઓ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી નવા માલિકોને ચાવીઓ સોંપે છે. જોકે, વીડિયોમાં એ સ્પષ્ટ નથી થયું કે યુટ્યુબરે કાર ખરીદવા માટે સંપૂર્ણ ચૂકવણી સિક્કાથી કરી કે આંશિક રીતે ચૂકવણી કરી. કોમેન્ટ બોક્સમાં યુઝર્સ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આ વીડિયો શૂટ કરવા માટે કરવામાં આવ્યો છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે આ એક ફેક વીડિયો છે. આમાં કોઈ સત્ય નથી. તો કેટલાક આ વીડિયોને પહેલેથી બનાવેલી સ્ટોરી કહી રહ્યા છે.