મહેસાણા વિધાનસભા બેઠક પર નીતિન પટેલ કે રજની પટેલ
રામ જન્મ ભુમિ આંદોલન બાદ મહેસાણા જિલ્લામાં મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર ખોડાભઇ પટેલે પ્રથમ વખત ચૂંટણી જીત્યા ત્યારથી આજ દિન સુધી ભાજપે આ બેઠક જાળવી રાખી છે, આમ તો મહેસાણાને રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાયછે, જ્યાં મહેસાણા વિધાનસભાની બેઠક પર પ્રથમ ધારાસભ્ય તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતાબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. રાજકીય સમીક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતી મહેસાણા વિધાનસભાની ચૂંટણીઓ અત્યાર સુધી 14 વખત યોજાઈ ચૂકી છે. જેમાં મતક્ષેત્રને બે મહિલા સહિત 9 ધારાસભ્યો મળ્યા છે. વર્ષ 1962થી 1990 સુધી સ્વતંત્ર પાર્ટી સહિત કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990થી રાજકીય સમીકરણ બદલાતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ બનાવી દીધો છે.
મહેસાણાના ચૂંટણી ઇતિહાસની વાત કરીએ તો
વર્ષ 1962માં કોંગ્રેસના શાંતા બેન ભોળા ભાઇ પટેલે સ્વતંત્ર પક્ષના કેશવલાલ પટેલને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના કે જે યાજ્ઞિકે કોંગ્રેસના પુરુષોત્તમ પટેલને હરાવ્યા
વર્ષ 1972 કોંગ્રેસના દયા શંકર ત્રિવેદીએ એનસીઓના પુરુષોત્તમ પટેલને હરાવ્યા
વર્ષ 1975માં એનસીઓના ભાવ સિહ ઝાલાએ કિમલોપના કેશવ પટેલને હરાવ્યા
વર્ષ 1980માં કોંગ્રેસ આઇના ભાવ સિહ ઝાલાએ ભાજપના આત્મારામ પટેલને હરાવ્યા
વર્ષ 1981માં કોંગ્રેસ એ આર ભાવ સિહે જનતા પાર્ટીના પીએચ ધના ભાઇને હરાવ્યા હતા,
વર્ષ 1985માં કોંગ્રેસના મણિલાલ પટેલે ભાજપના ચંદન સિહ રાજપુતને હરાવ્યા
વર્ષ વર્ષ 1990માં ભાજપના ખોડા ભાઇ પટેલ કોંગ્રેસના મથુરજી ઠાકોરને હરાવ્યા
વર્ષ 1995માં ખોડા ભાઇ પટેલે કોંગ્રેસને સાગર રાયકા ને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના ખોડા ભાઇ પટેલ કોંંગ્રેસના સાગર રાયકાને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના અનિલ પટેલે કોંગ્રેસના જીવા ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના અનિલ પટેલે કોંગ્રેસના નરેશ રાવલને હરાવ્યા
વર્ષ 2012માં ભાજપના નિતીન પટેલે કોંગ્રેસના નટવરદાસ પિતામ્બરદાસ પટેલને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના નિતીન પટેલે કોંગ્રેસના જીવા ભાઇ પટેલને હરાવ્યા હતા,
મહેસાણામાં ચૂંટણીના ફેક્ટ
મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે સૌ પ્રથમ વખત સને 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રસ પક્ષના મહિલા ઉમેદવાર શાંતાબેન પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ સને 1967માં સ્વતંત્ર પાર્ટીના કાન્તીલાલ યાજ્ઞિક, સને 1972માં કોંગ્રેસના દયાશંકર ત્રિવેદી, સને 1975 તેમજ 1980માં કોંગ્રેસના ભાવસિંહજી ઝાલા, સને 1981માં યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રૂપકુંવરબા ઝાલા તેમજ સને 1985માં કોંગ્રસના મણીલાલ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ત્યારબાદ મહેસાણા વિધાનસભા મતક્ષેત્રમાં રાજકીય પરિવર્તન સાથે ભાજપના સૂર્યનો ઉદય થયો હતો. વર્ષ 1990માં યોજાયેલ મહેસાણા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે પહેલી વખત વિજેતા બન્યા હતા.
ત્યારબાદ વર્ષ 1995 અને વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીઓમાં સળંગ બે ટર્મ સુધી ખોડાભાઈ પટેલ જીત્યા હતા. આ દરમિયાન મહેસાણા બેઠક પર ભાજપની પકડ મજબૂત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2002 અને વર્ષ 2007માં અનીલભાઈ પટેલને ટિકિટ અપાઈ હતી અને તેઓ પણ વિજયી બન્યા હતા.
મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે છેલ્લા બે ટર્મ વર્ષ 2012 તેમજ વર્ષ 2017માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી નીતિનભાઈ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેમાં તેઓએ બદલાયેલ રાજકીય અને સામાજિક સમીકરણ વચ્ચે પણ ભાજપનો દબદબો જાળવી રાખ્યો હતો. હવે, આગામી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં કયો રાજકીય પક્ષ કયા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે તેના પર સૌની મીટ અત્યારથી મંડાઈ છે.
વર્ષ 1990માં હાલ ભાજપના રાજ્યસભાના સાસંદ જુગલજી ઠાકોરના પિતા મથુરજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, અને હાર્યા હતા, અત્યાર સુધી મહેસાણા બેઠક પરથી સૌથી વધુ ત્રણ વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ ખોડા ભાઇ પટેલનો છે,,જ્યારે નિતીન પટેલને ત્રીજી વખત ચૂંટણી લડવાનો મોકો મળશે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે,
મહેસાણા બેઠકના જાતિગત સમીકરણો
મહેસાણા વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્યો માટે યોજાયેલી ચૂંટણીઓ મતદારોનો ટ્રેન્ડ તેમજ રાજકીય સમીકરણ રાજકીય વિશ્લેષકો માટે પણ કોયડા સમાન રહ્યો છે. મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે યોજાયેલ અત્યાર સુધીની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળ્યો છે. સને 192થી સને 2017 સુધી 14 વખત યોજાયલ વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાને પાંચ પાટીદાર, બે બ્રાહ્મણ તેમજ બે રાજપૂત સમાજમાંથી ધારાસભ્ય મળ્યા છે. જેમાં કોંગ્રેસમાંથી એક-એક પાટીદાર તેમજ રાજપૂત મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 1990માં પ્રથમ વાર ખીલ્યું કમળ
રામ જન્મ ભુમિ આદોલન બાદ સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર જોવા મળી જેનો ફાયદો ભાજપને મળ્યો મહેસાણા વિધાનસભા બેઠક પર વર્ષ 1990 સુધી લગભગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત ભાજપનું કમળ ખિલ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લઈ ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ ગત વર્ષ 2017 સુધી યોજાયેલ ચૂંટણીમાં ભાજપે વિજયીનો સિલસીલો ચાલુ રાખ્યો છે.
મહેસાણા બેઠક પર મતદારોનું ગણિત
મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં અંદાજિત પાટીદાર 22.6 ટકા, ઠાકોર 15.8 ટકા, સવર્ણ 12.9 ટકા, ક્ષત્રિય 2.3 ટકા, ચૌધરી 3.4 ટકા. ઓબીસી 14.2 ટકા, મુસ્લિમ 5.6 ટકા, દલિત 11.7 ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. આ બેઠક પર કુલ 2,16,149 મતદારો છે. જેમાં 1,12,658 પુરુષ મતદારો અને 1,03,497 મહિલા મતદારો છે. જેમાં 229 પોલીંગ બુથ છે.
મહેસાણા બેઠક માટે ભાજપના મુરતિયા
નીતિન પટેલ પુર્વ ઉપ મુખ્યમંત્રી
રજની પટેલ પુર્વ ગૃહ રાજ્યમંત્રી
નીતિન પટેલ,પુર્વ સભ્ય ગુજરાત પંચાયત પસંદગી મંડળ
જીવા ભાઇ પટેલ, પુર્વ સાંસદ
અશોક ચૌધરી, ચેરમેન દુધ સાગર ડેરી
નટુજી ઠાકોર, પુર્વ સાંસદ
પુંજાજી ઠાકોર, પુર્વ સાંસદ
જો કે આ બેઠક પર નીતિન પટેલને ફાઇનલ માનવામાં આવે છે, પણ રજની પટેલ પણ પોતાની પુરી તાકાત લગાવી જન સંપર્ક વધારી રહ્યા છે, જો કે ચાર ટર્મ કે તેનાથી વધુ ટર્મ ધરાવતા ધારાસભ્યોને ટિકીટ નહી આપવાના ફોર્મ્યુલા ઉપર કામ કરે તો રજની પટેલને ચાન્સ મળી શકે છે છતા આખરી ફેસલો ભાજપ હાઇકમાન્ડ કરશે,