ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં ૧ લાખથી વઘુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ
ગાંધીનગર જિલ્લામાં ૧ લાખથી વઘુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ
માણસાના અંબોડ ગામમાં અઠવાડિયા અગાઉ શંકાસ્પદ લમ્પીના ચિહ્નો ઘરાવતા પશુઓનું આરોગ્ય તંદુરસ્ત : અંબોડ ગામમાં ૨૩૦થી પશુઓનું રસીકરણ કરાયું
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં ૨૪ પશુઓને અઠવાડિયા અગાઉ લમ્પીના શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા હતા. હાલમાં તમામ પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે. ગાંધીનગર જિલ્લામાં તા.૩૧મી ઓગસ્ટની સુઘીમાં ૧ લાખ કરતાં વઘુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, તેવું ગાંધીનગર જિલ્લા પશુપાલન અધિકારી એસ.એ.પટેલે જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે કે,અંબોડ ગામમાં ૨૪ પશુઓમાં અઠવાડિયા અગાઉ લમ્પીના શંકાસ્પદ ચિહ્નાનો દેખાયા હતા. જેથી તા. ૧૭, ૧૮, ૨૦ અને ૨૨ ઓગસ્ટના રોજ અંબોડ ગામના કુલ- ૨૩૦ પશુઓ અને આનંદપુરા અંબોડ ખાતે ૩૦૦ પશુઓ મળી કુલ- ૫૩૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
પશુપાલન અધિકારીએ ઉમેર્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં લમ્પી રોગ વિરોઘી રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તા. ૩૧મી ઓગસ્ટ સુઘીમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ૧૪,૩૭૫, દેહગામ તાલુકામાં ૧૧,૮૭૦, માણસા તાલુકામાં ૪૯,૫૯૦ અને ગાંધીનગર તાલુકામાં ૩૧, ૩૯૨ પશુઓને રસી આપવામાં આવી છે.
આ રસીકરણ અભિયાનમાં પશુપાલન ખાતા દ્વારા ૫૭,૭૫૨ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ દૂઘસંઘ દ્વારા ૩૫,૬૪૫ પશુઓનું અને ખાનગી સંસ્થાઓ દ્વારા ૧૩,૮૩૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.