સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે આદર્શ નિવાસી શાળા (વિકસતિ જાતિ-કન્યા) ગાંધીનગર ખાતે ૧૧૦ ટેબલેટનું વિતરણ કરાયું
‘ એક વિઝન, એક મિશન’ અને ટેકનોલોજી થકી દેશ અને દુનિયા પર રાજ કરવા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા મંત્રી પ્રદિપ પરમારનો અનુરોધ
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે આદર્શ નિવાસી શાળા (વિકસતિ જાતિ-કન્યા) સેક્ટર-૧૩ ગાંધીનગર ખાતે ૧૧૦ જેટલા ટેબલેટનું વિતરણ યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે, સરકારની સહાય ઉપરાંત આદર્શ નિવાસી શાળાઓને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ થકી પણ લાભો મળે છે. આજે એજ મિશન થકી અહીં ૧૧૦ જેટલા ટેબલેટનું વિતરણ થઈ રહ્યું છે. યુવા અનસ્ટોપેબલે વિધાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે કરેલા કાર્યો બદલ તેમણે આભાર પ્રકટ કર્યો હતો. તેમણે વિધાર્થીનીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ટેબલેટનો ઉપયોગ યોગ્ય રીતે અભ્યાસમાં થાય અને ભવિષ્યમાં તેનાથી લાભ થાય તેવો આગ્રહ રાખ્યો હતો. તેમણે વિધાર્થીનીઓ ને એક મંત્ર આપ્યો હતો ‘ એક વિઝન, એક મિશન’ અને આ મંત્ર થકી દેશ અને દુનિયા પર રાજ કરવા તથા, આજે ભલે પોતે સામાન્ય પરિસ્થિતી મા ઉછરે પણ ભાવી પેઢીને સામાન્ય ન રહેવા દેવા અભ્યાસ ઉપર કેન્દ્રિત કરવા જણાવ્યુ હતું. સાથોસાથ તેમણે વિધાર્થીનીઓને એ પણ જણાવ્યું હતું કે, તમારો જન્મ માત્ર કોઇ એક નોકરી કરી જીવન ગુજારવા નથી થયો પરંતુ વિશ્વ પર રાજ કરવા થયો છે, આવા વિઝન સાથે એક મિશન રાખશો તો ચોક્કસ સફળ બનશો. માત્ર પોતાના માટે તો સૌ કોઇ જીવે છે પણ જ્યારે અન્ય માટે કંઈક કરવાની પ્રેરણા જાગે ત્યારે સફળ બની શકશો.
આ પ્રસંગે સંયુક્ત નિયામક એચ.એમ. વાઘાણીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય બેન સુનિતાબેન ત્રિવેદીએ કર્યું હતું. તેમણે શાળા અને શાળામાં ચાલતી વિશેષ પ્રવૃતિઓની માહિતી આપી હતી.
આ પ્રસંગે જીતુભાઈ ચૌહાણ, યુવા અનસ્ટોપેબલ સંસ્થાના ઉપપ્રમુખ પવનભાઈ જૈન , હેમાંગભાઈ, નાગદેવભાઈ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.