એપલની ઘણી વેબ આધારિત સેવાઓ સોમવારે (21 માર્ચ 2022)ની રાત્રે બંધ થઈ ગઈ હતી. એપલની જે સેવાઓ અચાનક ઠપ થઈ હતી, તેમાં Apple Music, Apple TV+, App Store, Podcasts, Contacts અને Apple Arcade સામેલ છે. વિશ્વના ઘણા વિસ્તારોના યુઝર્સ આ સેવાઓનો ઉપયોગ કરવામાં સક્ષમ ન હતા. Appleના ડેશબોર્ડ પર પણ આ આઉટેજની પુષ્ટિ થઈ છે.
ભારતીય યુઝર્સે પણ iCloudના ડાઉન થવાની ફરિયાદ કરી છે. ભારતીય યુઝર્સને કેલેન્ડર, કોન્ટેક્ટ્સ અને પ્રાઈવેટ રિલે ઉપરાંત એપલ મેપ્સ અને ફાઈન્ડ માય નેટવર્ક એક્સેસ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર એપલની સેવાઓ બંધ થવાની ફરિયાદ કરી છે, જોકે, હવે તમામ સેવાઓ શરૂ થઈ ગઈ છે.
ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, એપલ એપ સ્ટોરના ઠપ થવાને કારણે ડિવાઈસ એનરોલમેન્ટ પ્રોગ્રામ, એપલ સ્કૂલ મેનેજર અને આઈટ્યુન્સ સ્ટોર તેમજ એપલ ન્યૂઝ જેવી ઘણી સર્વિસ ડાઉન રહી. ઘણા યુઝર્સ iCloudમાં સાઇન ઇન કરવામાં અસમર્થ રહ્યા. આઇક્લાઉડ એપ સિવાય વેબ સર્વિસ પણ ડાઉન હતી. iOS ડિવાઈસ એક્ટિવેશન પણ અસ્થાયી રૂપે બંધ હતું.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જૂનમાં સમગ્ર વિશ્વમાં થોડા સમય માટે ઈન્ટરનેટ બંધ થઈ ગયું હતું. જેના કારણે હજારો મોટી વેબસાઈટ 50 મિનિટ સુધી બંધ થઈ ગઈ હતી. યુનાઇટેડ કિંગડમની સત્તાવાર વેબસાઇટ પણ બંધ થઈ ગઈ હતી. Spotify, Pinterest, Twitch, Reddit, વગેરેને પણ અસર થઈ હતી. સીએનએન, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, ધ ગાર્ડિયન, બીબીસી ન્યૂયોર્ક ટાઈમ્સ વગેરે જેવા ન્યૂઝ પોર્ટલ. ન્યૂઝ વેબસાઈટ લાંબા સમય સુધી ડાઉન રહી હતી.