લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલા મેળા ને લીધે માઇ ભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ હતો જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય મહોલ વચ્ચે જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 જેટલા માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતા. જેમાંથી 224 કરતા વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી આસપાસના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.
દર વર્ષે અંબાજી સહિતના આદિજાતિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા અને સંઘ મારફતે અંબાજી આવી માના ચરણોમાં શીશ નમાવતા હોય છે. ચાલુ સાલે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જિલ્લાના 184 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 30 એમ મળી કુલ 224 ગામમાં ધજા મોકલવામાં આવી હતી. જેથી દરેક ગામમાંથી માઇભક્તો ધજા- સંઘ લઇને માતાજીના દર્શને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવ્યા હતા અને માના આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે લીમખેડાના સંઘ દ્વારા માં અંબાને 511 ગજની ધજા ચડાવવામાં આવી હતી.