એન્ટરટેનમેન્ટ
‘કહેવતલાલ પરિવાર’! સમજાવશે સંબંધોનું મુલ્ય
‘કહેવતલાલ પરિવાર’! સમજાવશે સંબંધોનું મુલ્ય
કોકોનટ પિક્ચર્સ પ્રોડક્શન્સના રશ્મિન મજિઠિયા અને દિગ્દર્શક વિપુલ મહેતાની જોડી સિનેમાના મોટા પડદા માટે હાથ મિલાવે, ત્યારે ચમત્કાર સર્જાય જ છે! ચાલ જીવી લઈએ, ગોળકેરી બાદ હવે ‘કહેવતલાલ પરિવાર’ ફિલ્મને હવે યાદગાર મોડર્ન ગુજરાતી ફિલ્મોની યાદીમાં ઉમેરવી જ પડે. એમાં પણ આજ વખતે ખાસ તો ‘ખિચડી’ જોડી (જયશ્રી ભાભી અને હંસા ભાભી) એટલે કે વંદના પાઠક અને સુપ્રિયા પાઠક કપૂર ફરી વખત ભાભી-નણંદના કિરદારમાં છે, એટલે એમને ફરી એકસાથે ઑનસ્ક્રીન જોવાની મજા પણ જુદી જ છે!
અધૂરામાં પૂરું, હાસ્યજગતના બે બાદશાહો સિદ્ધાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયાની જોડીએ પણ રંગ રાખ્યો છે. ત્રીજી બાજુ, ‘પપ્પા, તમને નહીં સમજાય’ ફિલ્મ અને તાજેતરમાં રીલિઝ થયેલાં ગીત ‘પિહરવા’માં પ્રેમી-પ્રેમિકાનું કિરદાર ભજવી ચૂકેલાં ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર ‘કહેવતલાલ પરિવાર’ના બે સંતાનો એટલે કે ભાઈ-બહેનનું પાત્ર ભજવી રહ્યા છે.
અમદાવાદની ગરનાડાની પોળમાં રહેતાં ‘રાજુભાઈ ઢોકળાવાળા’ 40 વર્ષોથી લારી ઉપર ઢોકળા વેચે છે. રાજુભાઈ (સિદ્ધાર્થ રાંદેરિયા)ના પિતરાઈ ભાઈ શામુભાઈ (સંજય ગોરડિયા) પણ ઢોકળાની લારી ચલાવતાં હોવાથી બંને ભાઈઓ વચ્ચે દાયકાઓથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અચાનક, અમેરિકાથી 23 વર્ષ બાદ આવી ચડેલાં કાલિંદીબહેન (સુપ્રિયા પાઠક) સમગ્ર ઠાકર પરિવાર માટે કોયડાનો વિષય બની જાય છે. રાજુભાઈના બંને સંતાનો હેતા (શ્રદ્ધા ડાંગર), હિમેશ (ભવ્ય ગાંધી) અને ફોઈ ભદ્રા (વંદના પાઠક)ના જીવનમાં વર્ષો પછી બદલાવ આવે છે!
પછીની વાર્તા જાણવા માટે થિયેટર સુધી લાંબુ થવું પડશે. ભવ્ય ગાંધીની પહેલી ફિલ્મ ‘પપ્પા..’થી શરૂ કરીને આ ફિલ્મ સુધીની સફરમાં ફિલ્મી-અભિનેતા અને તરવરિયા યુવાન તરીકેની તેની ઓળખ વિકસી છે. ‘તારક મહેતા’ના ટપુની ઓળખ ભૂલાવીને તે પ્રેક્ષકો સમક્ષ પોતાનો તદ્દન નવો અને અલગ ચહેરો પ્રસ્તુત કરવાના પ્રયાસોમાં સફળ થયો છે.
‘કહેવતલાલ પરિવાર’ના અમુક દ્રશ્યોમાં તો તે સિદ્ધાર્થ રાંદેરિયા જેવા દિગ્ગજ કલાકારને પણ ઝાંખા પાડી દે એવું પર્ફોમન્સ આપે છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયા એમના નાટકોની માફક ફિલ્મમાં ક્યાંક અતિશય લાઉડ લાગ્યા છે, પણ એ નકારાત્મક પાસું અવગણવા યોગ્ય છે! બંને અભિનેતાઓ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવે છે, તાળીઓ અને સિસોટીઓ પાડવા મજબૂર કરે છે.
વંદના પાઠક, સુપ્રિયા પાઠક, શ્રદ્ધા ડાંગર પોતપોતાના પાત્રોને અજવાળી ચૂક્યા છે. સુપ્રિયા પાઠકના દ્રશ્યોનું એક અલાયદું ઑડિયન્સ ઊભું થાય છે, એ હકીકત સ્વીકારવી રહી. એમને ગુજરાતી ફિલ્મની સ્ક્રીન ઉપર નિહાળવા એ લ્હાવો છે. સચિન-જિગરનું સંગીત અને ફિલ્મના તમામ ગીતો એટલા કર્ણપ્રિય છે કે લૂપ પર રાખીને સાંભળવાનું મન થયા રાખે, જે કોકોનટ પિક્ચર્સની મોનોપોલી કહી શકાય.
વળી, ગીતોની કોરિયોગ્રાફી પણ એટલી અદ્ભુત કે ગીત ગણગણતી વેળા હૂક-સ્ટેપ્સ પણ આપોઆપ યાદ આવી જાય! વિપુલ મહેતાના દિગ્દર્શનમાં ફરી ‘ગોળકેરી’ જેવો જાદુ છલકાયો છે. એકદમ હલ્કી-ફુલ્કી અને પારિવારિક કહી શકાય એવી આ ફિલ્મ ગુજરાતીઓ માટે બેશક મનોરંજન અને હાસ્યનો ભંડાર છે!
કેમ જોવી?:
તમામ જંજાળ અને ઝંઝાવાતોને બે-અઢી કલાક માટે ભૂલવા માંગતા હો તો!
કેમ ન જોવી?:
મગજ બાજુ પર મૂકીને નિહાળવાલાયક ફિલ્મથી ટેવાયેલાં ન હો તો
: ક્લાયમેક્સ:
ધર્મેશ વ્યાસનો ગેસ્ટ-અપિરિયન્સ ટૂંકો છતાં સ્મૃતિમાં અકબંધ રહી જાય તેવો છે!
પંચાત સ્ટાર
ત્રણ સ્ટાર
પોતાના સાથી સાથે ઇન્ટીમેટ થવા કયા પ્રકારના ઇનરવેર પહેરવા-જાણો અહી