જલા તો અલ્લા કા બંદા હૈ !’ .લેખક : જયંતિભાઈ આહીર
“અરે, જમાલમિંયા છોકરાની હાલત કેમ છે ?”
”હરજીભાઈ, લડકે કી બીમારી દેખકે બડી પરેશાની હો રહી હૈં !”
“અરે, કોઈ સારા વૈદ-હકીમને બતાવી જુઓ ભગવાન સારા વાના કરશે !”
”હરજીભાઈ, એક સે બઢકર એક વૈદ્ય-હકીમ ઔર દાકતર કો દીખા ચૂકે, લેકીન કોઈ ફાયદા નહીં હૈં !”
“શું વાત કરો છો, જમાલમીયાં !”
”હરજીભાઈ, લડકા અબ અંતિમઘડી ગીન રહા હૈં, લડકે કી મા કી હાલત રો રો કે બહુત ખરાબ હો રહી હૈં !”
”હં… !”
“હરજીભાઈ, અબ તો અલ્લા પે ભરોસા હૈં, શાયદ કોઈ ચમત્કાર હો જાય !”
“જમાલમિંયા, આમ નિરાશ ન થાવ, તમને વિશ્વાસ હોય તો એક ઉપાય બતાવું ?”
”હરજીભાઈ, લડકે કે લીયે કુછ ભી કરને કે લીએ તૈયાર હું, બસ ઉપાય બતાયેં !”
“પણ ભાઈ તમે રહ્યા મુસલમાન એટલે કહેતા જરાક સંકોચ થાય છે !”
“હરજીભાઈ, હિંદુ-મુસલમાન તો ઇન્સાનને બનાયે હૈં, બાકી સબ કા માલીક તો એક હૈં !”
”હા, મિયાં ભગવાનને ત્યાં ક્યાં ભેદ છે ? આ તો આપણે વાડા બાંધી બેઠા છીએ !”
”હરજીભાઈ, વૈદ્ય, હકીમ ઔર દાકતરોને હાથ ધો ડાલા હૈં, અબ આપ બતાયેં હમે ક્યા કરના હૈ ?”
વીરપુરમાં રહેતા ચુસ્ત મુસલમાન જમાલમિયાંનો એકનો એક દીકરો હુસેન બીમાર પડતા બીમારીએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું. જમાલમિયાં અને તેની બીબી ફાતિમાએ લાડકવાયા દીકરાને બીમારીમાંથી સાજો કરવા વૈદ્ય, હકીમ અને દાકતરોના ઉંબરા ઘસી નાંખ્યા, પરંતુ હુસેનની બીમારી ધીમે ધીમે આગળ વધતા તે મોતના મુખ તરફ આગળ વધી રહ્યો હતો.
હુસેનની હાલત જોઈ માની આંખ સુકાતી ન હતી. પથારીમાં હાડપિંજરની જેમ છએક મહિનાથી સુતેલા દીકરાને જોઈ મિયાં-બીબી તન-મનથી ભાંગી ગયા હતા. હરજીભાઈ દરજી વીરપુરની બજારમાં આવેલી પોતાની સીવણકામની દુકાન બંધ કરી ઘેર બપોરના જમવા જતા, બજારમાં તેના મિત્ર જમાલમિયાંને મળી જતા હુસેનના સમાચાર પુછ્યા.
”જમાલમિયાં, જે દવાથી ન થાય તે દુઆથી થાય એ વાત તો તમે માનો છો કે નહીં ?”
“અરે, હરજીભાઈ ખુદાકી રહેમત હો જાય તો મુર્દેમેં ભી જાન આ જાતી હૈં !”
“જમાલમિયાં, આપણા ગામમાં જલા ભગત રહે છે, એના આશીર્વાદ લો તો ?”
“સચ્ચી બાત હૈં, મેરે સામને અલ્લા કા બંદા હૈં, ઔર મૈંને ઈસ કે બારેમેં કભી સોચા નહીં !”
“જમાલમિયાં, જલા ભગત તો અલ્લાનો બેલી છે, તે કોઈને નિરાશ કરતા નથી !”
“હરજીભાઈ, જીના-મરના ખુદા કે હાથમેં હૈં, લેકીન હુસેન એકબાર આંખ ખોલદે તો ભી મૈં જલા ભગતકે ચરનોમેં શિશ ઝુકાઉંગા !”
જમાલમિયાંએ ઘેર આવી બીમાર દીકરાના ખાટલા પાસે કપાળે હાથ દઈ બેઠેલ બીબીના ખંભે હાથ મૂકી હરજીભાઈ સાથે થયેલી વાત કરી. જેમ ડૂબતો માણસ તરણું શોધે તેમ ફાતિમાબીબી આશાના તાંતણે બંધાતા માનતા માની કે દીકરો સાજો થશે, તો જલારામ બાપાના દર્શન કરવા ઉઘાડે પગે જશે.
દીકરાની બીમારીએ જમાલમિયાંના ઘરને શોકમય બનાવી દીધું હતું, રાત થતા ઘાસલેટના ટમટમતા દિવાને પ્રકાશે પતિ-પત્નિ દીકરાની પથારી પાસે બેઠા. અર્ધીરાતે હુસેને ધીરેધીરે આંખો ખોલી પાણી માંગતા જમાલમિયાંએ દોડીને પાણીની જગ્યાએ દૂધ પીવરાવ્યું. દૂધ પીયને હુસેન સુઈ ગયો. હુસેને સવારે ફરીથી આંખો ખોલતા તેની મા પાસે ખાવાનું માંગતા ફાતિમાબીબીએ હરખથી મગ બાફી તેનું પાણી પાયું.
એક દિવસમાં હુસેનની તબીયતમાં અણધાર્યો સુધારો થનો જોઈ જમાલમિંયા ખૂબ રાજી થઈ મનોમન જલારામ બાપાનો આભાર માનવા લાગતા હરજીભાઈની દુકાને પહોંચી ગયા.
“હરજીભાઈ, આજ તો કમાલ હો ગયા હુસેન અચ્છા હોને લગા હૈં !”
“જમાલમિયાં, અલ્લાએ તમારી ફરિયાદ આખરે સાંભળી ખરી !”
“હરજીભાઈ, અલ્લા કા તો પત્તા નહીં, લેકીન અલ્લાકે બંદેને હમારી બાત જરૂર સુની હૈં !”
અને એ સાથે જમાલમિયાંએ દીકરા હુસેનની એક જ દિવસમાં સુધરી રહેલી તબીયતની વાત કરી જલારામ બાપાના દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
“જમાલમિયાં, જલા ભગતને મળવા માટે કોઈની ઓળખાણની જરૂર નથી. એ તો અંતર્યામી છે, તે માણસને જોતા જ તેના દુ:ખ જાણી જાય છે !”
“મગર, આપ સાથ આતે તો ઔર અચ્છા લગતા !”
“અરે જમાલમિયાં કંઈ વાંધો નહીં ચાલો ઈ’ બહાને મને પણ જલા ભગતના દર્શનનો લાભ મળશે !”
જમાલમિયાં, હરજીભાઈને સાથે લઈ ઉત્સાહભેર રાજી થતા જલારામ બાપાને મળવા ઠાકર દ્વારે પહોંચી ગયા. એ વખતે જલારામ બાપા અમીર-ગરીબ, ઉંચ-નીચ કે હિંદુ-મુસ્લિમના ભેદભાવ વગર નાના-મોટા સૌને સમાન ભાવે પંગતમાં બેસાડી પ્રેમથી ભોજન પીરસી રહ્યા હતા. ભુખ્યા લોકોને ભાવથી જમાડી તેના એંઠા વાસણ ઉપાડી સાફ કરતા જલારામ બાપાને જોઈ જમાલમિયાં ભાવવિભોર થતા જોઈ રહ્યા. લોકોને ભાવથી જમાડી તેના ખબરઅંતર પૂછી રહેલા જલારામબાપા પાસે જઈ ચરણોમાં દંડવત પ્રણામ કરતા બાપાના ચરણો આંસુડાની ધારે ધોયા.
“જમાલમિયાં, ચિંતા ન કરો ભગવાન સૌ સારા વાના કરશે !”
“બાબા, આપ તો અંતર્યામી હૈં, હુસેન કો બચા લો !”
જલારામ બાપાએ બંને હાથે જમાલમિયાંના બાવડા ઝાલી ઊભા કરી કહેવા લાગ્યા,
”મિયાં, અલ્લા પર ભરોસો રાખો, હુસેન બે-ચાર દિવસમાં હરતો-ફરતો થઈ જશે !”
જલારામ બાપાના આશીર્વાદ લઈ જમાલમિયાં ઘેર આવતા તે નવાઈ પામી જોતા જ રહી ગયા. હુસેન પથારીમાં બેઠો થઈ માને ટેકે ઊભો થવાની કોશીશ કરતો હતો. હુસેનને જોઈ જમાલમિયાંએ જલારામ બાપાનો અંતકરણથી આભાર માન્યો. થોડા દિવસમાં તો હુસેન હરતો ફરતો થઈ જતા મિયાં-બીબીએ જલારામ બાપાનો આભાર માનવાનું નક્કી કરતા અનાજનું ગાડું ભરી દીકરાને સાથે લઈ જલારામબાપાની કુટીયાએ પહોંચી ગયા.
”બાબા, હુસેનકો બચાકે આપને તો હમેં નયી જિંદગી બક્ષ દી !”
મિયાં-બીબીએ આંખમાં હર્ષના આંસુ સાથે જલારામ બાપાનો હાથ પોતાના હાથમાં લઈ શ્રદ્ધાથી આંખે અડાડતા એક સાથે બોલી ઉઠ્યા.
“જલાબાપા, આપ તો અલ્લા કે બંદે હો, આપકી દુઆસે હુસેન બચ ગયા ! આપ તો હમારે લીયે જલા સો અલ્લા હો !”
”મિંયાજી, હું બચાવનાર કોણ ? મારનારો અને તારનારો તો હજાર હાથવાળો છે, બસ તેની ઉપર ભરોસો રાખતા શીખો !”
”હમ કુછ નહીં જાનતે બાબા, બસ આપકી વજહ સે આજ હુસેન જીંદા હૈં ઔર ઈસ ખુશીમેં હમ છોટાસા તોફા લાયે હૈં, બસ આપ કબુલ કર લો !”
આમ કહી જમાલમિંયાએ ગાડામાં ભરેલ અનાજ કોઠારમાં ઉતરાવી હુસેનને લઈ જલારામબાપાના ચરણોમાં પકડતા બાપાએ અંતરથી આશીર્વાદ આપ્યા. જલારામબાપાએ ઇસ્વીસન 1826માં વિરપુરમાં રહેતા મુસ્લીમ દંપતિના એકના એક દીકરા હુસેનને નવજીવન આપતા જમાલમિંયા અને તેની બીવીએ ‘જલા સો અલ્લા’ કહી જલારામ બાપાનું શરણ લેતા વિરપુરના સંત ‘જલા સો અલ્લા’ના નામે પ્રસિદ્ધ થયા.